• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

વેરાવળમાં વેપારીએ 29 લાખની સામે 17 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણી

 વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા વેપારી પોલીસ શરણે પહોંચ્યો : બન્ને વ્યાજખોરો સામે ત્રણેક લોકોએ પોલીસમાં અરજી કરી

વેરાવળ, તા.4: વેરાવળ જીઆઈડીસીમાં ફીશ એક્સપોર્ટનો ધંધો કરતા વેપારીએ જુદા જુદા સમયે 3થી 4 ટકે લીધેલા કુલ રૂ.29 લાખના મુદ્દલ સામે 17 લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ અંગે વેપારીની અરજીના આધારે પોલીસે બે વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને વ્યાજખોરો સામે અન્ય ત્રણેક લોકોએ પણ આ પ્રકારની વ્યાજખોરીની અરજી પોલીસમાં આપી હોય તેની તપાસ ચાલુ હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ જીઆઈડીસીમાં ફીશ એક્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી પ્રકાશ મનસુખ સોનેરીને સને.2023માં ઘંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતા જીઆઈડીસીમાં વેપાર કરતા પરાગ ધનેશા પાસેથી પ્રથમ વખત રૂ.9 લાખ 3 ટકા લેખે અને વર્ષ 2024માં જુદા જુદા સમયે કુલ 20 લાખની રકમ 4 અને 3.5 ટકા વ્યાજે લીધા હતા. આમ કુલ લીધેલા 29 લાખની રકમનું દર મહિનાનું નિયમિત વ્યાજ ચુકવતો હતો. વ્યાજે લીધેલા રકમની સિક્યુરીટી પેટે કુલ 8 ચેક અને કિયા સલટોસ કાર પરાગ ધનેશા લઈ ગયા હતા. આ લીધેલી રકમનું અત્યાર સુધીમાં રૂ.17 લાખ વ્યાજ ચુકવી આપ્યું છે. ધંધામાં નુકસાની આવી હોવાથી પાંચેક મહિનાથી વ્યાજ ચુકવી ન શકતા પરાગ ધનેશા અને તેનો માણસ વિપુલ બારિયા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપી અપશબ્દો બોલીને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. જેથી પ્રકાશ સોનેરીએ ઉપરોકત બાબતે બન્ને સામે પોલીસમાં અરજી આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક