અમરેલી, તા.16: જાફરાબાદ તાલુકાના કંથારિયા ગામે રહેતા એક યુવકની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેને ખાંભાના નાની ધારી ગામે રહેતો એક યુવક ભગાડી ગયો હતો અને બન્નેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. આ બાબતનું મનદુ:ખ રાખી ગઈકાલે બપોરે મુખ્ય આરોપી અને અન્ય ત્રણ અજાણ્યા શખસો ફોર વ્હીલ ગાડી લઈને ઇંગોરાળા ગામે એક વાડી પાસે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ યુવકની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી તેને તથા તેની સાથે રહેલા અન્ય એક યુવકને નીચે પાડી દીધા હતા.
ગાડીમાંથી
હથિયારો સાથે ઉતરેલા ચારેય હુમલાખોરો પૈકી ત્રણ અજાણ્યા શખ્સોએ કુહાડી અને લોખંડના
પાઇપ વડે જયરાજ તથા શક્તિરાજ પર આડેધડ હુમલો કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી મયુર વરૂએ
તીક્ષ્ણ તલવાર વડે જયરાજના માથામાં જીવલેણ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા નીપજાવી હતી.
આ ચકચારી ઘટના અંગે ગૌતમભાઈ ધીરૂભાઈ વાળાએ ખાંભા પોલીસ મથકે મયુર વરૂ સહિત ચાર શખસ
સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.