રશિયા વિરુદ્ધ યુ.એસ. અને જાપાનના
નવા પ્રતિબંધો : 200થી વધુ કંપની-લોકો પર પાબંદી
વોશિંગ્ટન, તા. 11 : અમેરિકા
અને જાપાને યુક્રેન સામેનાં યુદ્ધને લઈને આજે
રશિયા વિરુદ્ધ નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ મંત્રાલયનાં
જણાવ્યાં અનુસાર તેણે રૂસની 200થી વધુ કંપની અને વ્યક્તિ તેમજ 180થી વધુ જહાજ પર પાબંદી
લગાવી દીધી હતી. એ ઉપરાંત બે ભારતીય કંપની સ્કાયહાર્ટ મેનેજમેન્ટ સર્વિસીઝ અને એવિજન
મેનેજમેન્ટ સર્વિસીઝ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. બાઈડન સરકારે જણાવ્યું હતું કે, આ
બે ભારતીય કંપનીએ રશિયાથી એલએનજીનો પુરવઠો મગાવીને અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું
હતું. અમેરિકી પ્રતિબંધોને પગલે ક્રુડ તેલની કિંમતોમાં ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો
છે.
બીજી તરફ જાપાને પણ અનેક રશિયન
નાગરિકો અને કંપનીઓની સંપતિને સ્થગિત કરી દીધી છે. એ ઉપરાંત રશિયા પર અગાઉ લગાવેલા
પ્રતિબંધોથી બચવા માટે મોસ્કોની મદદ કરનારા કેટલાંક સંગઠનો વિરુદ્ધ પણ પ્રતિબંધ લગાવી
દીધો છે. અમેરિકાનાં પગલાંને લીધે આંતરરાષ્ટ્રીય
બજારમાં કાચા તેલની કિંમત 80 ડોલરને પાર કરી ગઈ છે, તો ભારત અને ચીન જેવા દેશોને રશિયાથી
તેલની નિકાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી ભીતિ છે. અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકનના જણાવ્યા અનુસાર
આ કાર્યવાહીથી રશિયાની ઊર્જાના ત્રોતો થકી હાંસિલ થતી આવક સીમિત થઈ જશે અને તેને યુક્રેન
સામેનાં યુદ્ધમાં વધુ મુશ્કેલી ભોગવવી પડશે.