નવી દિલ્હી, તા. 12 : સ્વામી
વિવેકાનંદની 163મી જયંતીએ અંજલિ આપ્યા બાદ રવિવારે ભારત મંડપમ્માં દેશના યુવાનોને સંબોધતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, લક્ષ્ય જીવનની જડીબુટ્ટી છે.
છોડો યાર, થતું રહેશે, કંઇ બદલવાની
શું જરૂર છે, તેવી લક્ષ્યહીન માનસિકતાવાળા લોકો મૃત લાશ જેવા હોય છે, તેવું ‘િવકસિત
ભારત યુવા નેતા સંવાદ’ને સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું.
લગભગ પોણા કલાકનાં ભાષણમાં ત્રણ
હજારથી વધુ યુવાનોને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, યુવાનોમાં ‘ટીમ સ્પીરિટ’ એટલે
કે, ‘સંઘભાવના’ જરૂરી છે.
મારો વિશ્વાસ કહે છે કે, યુવા
શક્તિનું સામર્થ્ય ભારતને જલ્દીમાં જલ્દી વિકસિત રાષ્ટ્ર બનાવશે, તેવું વડાપ્રધાને
જણાવ્યું હતું.
મોદી બોલ્યા હતા કે, વિશ્વ ભારતની
ગતિને જોઇ રહ્યું છે. ભારતે 2030 સુધી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય રાખ્યું
છે, જે 2030થી પહેલાં જ પૂરું કરી લેવાશે.
સ્વામી વિવેકાનંદજી પણ કહેતા
હતા કે, મારો વિશ્વાસ યુવા પેઢી પર છે. મારા કાર્યકરો પણ યુવાન પેઢીમાંથી આવશે અને
દરેક સમસ્યાનું સમાધાન શોધશે, તેવી વાત તેમણે કરી હતી. સંબોધનથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ યુવાનો દ્વારા યોજિત પ્રદર્શન પણ નિહાળ્યું હતું અને યુવાન સમુદાય સાથે વાતચીત
પણ કરી હતી.