અંબાલા, તા. 29 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાફેલ ફાઈટર જેટની સવારી કરી હતી. તેમણે અંબાલાના એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી. જેની તસવીરો પણ સામે આવી છે. અંબાલા એરબેઝથી જ ભારતના ફાઈટર જેટ્સે ઓપરેશન સિંદૂર દરમિયાન ઉડાન ભરી હતી અને પાકિસ્તાન તેમજ પીઓકેમાં ઘૂસીને પ્રહાર કર્યો હતો. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું અને પાકિસ્તાને તેનો જવાબ આપવાની કોશિશ કરતા ભારતે અંબાલા એરબેઝનો ઉપયોગ કર્યો હતો. આ ઉડાનમાં ઓપરેશન સિંદૂરની પાઈલટ શિવાંગીસિંહ રાષ્ટ્રપતિની સાથે રહી હતી. શિવાંગી એ જ પાઈલટ છે જેને યુદ્ધ બંદી બનાવાઈ હોવાનો દાવો પાક મીડિયાએ કર્યો હતો. રાફેલ વિમાનમાં બેસતા પહેલા રાષ્ટ્રપતિએ જી-સુટ પહેર્યો હતો. હાથમાં હેલમેટ અને ચશ્મા પહેરીને રાષ્ટ્રપતિ મુર્મૂએ પાયલોટ સાથે તસવીર પણ ખેંચાવી હતી. ઉડાન ભરતા પહેલા રાષ્ટ્રપતિ મુર્મૂએ અભિવાદન કર્યું હતું.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    