291
રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ 150 રનમાં ઓલઆઉટ
ઓકલેન્ડ,
તા. 11 : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજો અને અંતિમ
મુકાબલો એડન પાર્કમાં રમાયો હતો. આ મેચ મહેમાન ટીમે 140 રને પોતાના નામે કરી લીધો હતો. જો કે ન્યુઝીલેન્ડે શરૂઆતી બે મેચ જીતીને શ્રેણી
પહેલાથી જ પોતાના નામે કરી લીધી હતી પણ શ્રીલંકાએ ત્રીજા વનડેમાં મેજબાન ટીમ સામે મોટી
જીત મેળવીને સમ્માન મેળવ્યું હતું.
શ્રીલંકાના
કેપ્ટન ચરિથ અસલંકાએ ત્રીજા વનડેમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય
કર્યો હતો. તેવામાં શ્રીલંકાએ નિર્ધારીત 50 ઓવરમાં આઠ વિકેટે 290 રન કર્યા હતા. શ્રીલંકા
માટે સર્વાધિક 66 રન પાથુમ નિસાંકાએ કર્યા હતા. આ ઉપરાંત કુસલ મેન્ડિસે 54 અને જાનિથ
લિયાંગે 53 રન કર્યા હતા. કામિંદુ મેન્ડિસે પણ 46 રનની સારી ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ
તરફથી ચાર વિકેટ મેટ હેનરીએ લીધી હતી. જ્યારે મિચેલ સેંટનરને બે વિકેટ મળી હતી.
291
રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યુઝિલેન્ડની બેટિંગ પુરી રીતે નિષ્ફળ થઈ હતી અને માત્ર
29.4 ઓવરમાં 150 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. કીવી ટીમ તરફથી સૌથી વધારે 81 રન માર્ક ચેપમેને
કર્યા હતા. શ્રીલંકા માટે અસિથા ફાર્નાન્ડો, મહીશ તિક્ષણા અને ઈશાન મલિંગાએ ત્રણ ત્રણ
વિકેટ લીધી હતી. જ્યારે જાનિથ લિયાંગેના ખાતામાં પણ એક વિકેટ આવી હતી.