નવી
દિલ્હી, તા. 11 : દ. આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટ
અને પૂર્વ કેપ્ટન શોન પોલોકના કહેવા પ્રમાણે આઇસીસી ક્રિકેટ સમિતિ બોલરોને વાઇડ ઉપર
થોડી વધારે છૂટ આપવાની દિશામાં કામ કરી રહી છે, કારણ કે વર્તમાન નિયમ બોલરો માટે ખૂબ
જ આકરા છે, ખાસ કરીને બેટ્સમેન અંતિમ ક્ષણમાં મુવમેન્ટ કરે ત્યારે પરેશાની વધે છે.
વન ડે અને ટી20માં બેટ્સમેન બોલરોની લાઇન અને લેંથને બગાડવા માટે ક્રીઝ ઉપર અંતિમ ક્ષણમાં
મૂવમેન્ટ કરે છે. જેનાથી ઘણી વખત બોલ વાઇડ જતો હોય છે. પોલોકના કહેવા પ્રમાણે પોતે
આઇસીસી ક્રિકેટ સમિતિનો હિસ્સો છે અને સમિતિ વાઇડ બોલ અંગે બોલરો માટે અમુક છૂટ આપવાનો
વિચાર કરી રહી છે.
પોલોકે
કહ્યું હતું કે, જો કોઈ બેટ્સમેન અંતિમ મિનિટમાં ઉછળે તો હકીકતમાં તે પરિસ્થિતિ બોલરો
માટે આદર્શ હોતી નથી. બોલરોએ રન અપની શરૂઆતમાં જ જાણવું જરૂરી હોય છે કે તે ક્યાં બોલ
ફેંકી શકે છે. વર્તમાન નિયમ અનુસાર જો બોલર બોલ છોડે તેની પહેલાં જ બોલર પોતાની જગ્યા
બદલે તો વાઇડ બોલ આપવામાં આવે છે. આ નિયમમાં થોડો બદલાવ ઈચ્છે છે.
પોલોકે
આગળ કહ્યું હતું કે, એક બોલર પાસે એવી આશા કઈ રીતે રાખી શકાય કે બોલિંગ કરતા સમયે અંતિમ
સેકન્ડમાં પોતાની રણનીતિ બદલી લેશે. બોલરને પહેલાં જ સ્પષ્ટ રીતે ખ્યાલ હોવો જોઈએ કે
બોલિંગ ક્યાં કરવાની છે.