• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

બુમરાહના રમવા ઉપર અનિશ્ચિતતા : અગરકરે કર્યો ખુલાસો રોહિતે સિરાજને ટીમમાંથી બહાર કરવાનું કારણ બતાવ્યું

નવી દિલ્હી, તા. 18 : ઈજાગ્રસ્ત હોવા છતાં પણ બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાથી ચર્ચા શરૂ થઈ છે. જો કે ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું છે કે બુમરાહને પાંચ અઠવાડિયું આરામ કરવા કહેવામાં આવ્યું છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ બુમરાહ અંગે અપડેટ આપશે. આશા છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયા બાદ બુમરાહ ઠીક થઈ જશે. જો ફીટ ન થાય તો આ મુદ્દે વાત કરવામાં આવશે. વર્તમાન સમયે કરુણ નાયરનું ટીમમાં સ્થાન મુશ્કેલ છે પણ તેના પ્રદર્શન ઉપર ધ્યાન આપવામાં આવશે. બુમરાહની ફિટનેસને ધ્યાને લઈને હર્ષિત રાણાને કવર તરીકે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટીમમાં અર્શદીપની એન્ટ્રી અને સિરાજની બાદબાકી મુદ્દે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, બુમરાહ અંગે કંઈ નિશ્ચિત નથી તેવામાં કોઈ એવો બોલર હોવો જોઈએ જે નવા બોલથી અને અંતિમ ઓવરોમાં બોલિંગ કરી શકે. આ માટે અંતિમ ઓવરના બોલર તરીકે અર્શદીપની પસંદગી કરવામાં આવી છે. રોહિતે કહ્યું હતું કે શમી નવા બોલથી શું કરી શકે તે સૌકોઈ જાણે છે. સિરાજ જ્યારે નવા બોલથી બોલિંગ નથી કરતો ત્યારે પ્રભાવ છોડી શકતો નથી. તેવામાં સિરાજને ટીમથી બહાર થવું પડયું છે.

રોહિત શર્માએ કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલનો પાછલા 14-15 મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો તેણે સતત રન કર્યા છે.ભલે તે વનડે રમી શક્યો નથી પણ તેનામાં આવડત છે. આ જ કારણથી તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક