ભારતીય
ઇલેવનમાં ફેરફારનો અવકાશ નહીં : આફ્રિકા પર વાપસીનું દબાણ
ન્યૂ
ચંદિગઢ તા.10: ટેસ્ટ શ્રેણીની હાર પછી વન ડે શ્રેણીમાં સફળ વાપસી કરનાર ટીમ ઇન્ડિયાએ
હવે દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધની પ મેચની ટી-20 શ્રેણીનો ધમાકેદાર અંદાજમાં પ્રારંભ કર્યોં
છે. ગત સાલ રમાયેલા ટી-20 વિશ્વ કપ બાદથી ટીમ ઇન્ડિયા ટી-20 ફોર્મેટમાં ટોપ ગિયરમાં
આગેકૂચ કરી રહી છે અને પાછલા 1પ માસમાં એક પણ ટી-20 શ્રેણી ગુમાવી નથી. ભારતીય ટીમની
નજર આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં સરજમીં પર રમાનાર ટી-20 વિશ્વ કપની ટીમ સેટ કરવા
પર છે. ગઇકાલે કટકમાં સૂર્યકુમાર યાદવની ટીમે 101 રને જોરદાર જીત મેળવી હતી. આ જીતથી
ટીમ ઇન્ડિયાનું મનોબળ ઉંચું છે અને હવે ન્યૂ ચંદિગઢના મલ્લાંપુર ખાતેના સ્ટેડિયમમાં
રમાનાર બીજા મેચમાં જીત હાંસલ કરી 2-0ની સરસાઇ કરવાનું લક્ષ્ય છે. બીજી તરફ દ. આફ્રિકા
ટીમ કટકની કારમી હાર ભૂલી બાઉન્સ બેક થવા કમર કસી રહી છે.
ઉલ્લાંપુર
સ્ટેડિયમની પિચ બોલર-બેટર બન્નેને ફેવર કરે છે. આથી આ મેદાન પર બોલ અને બેટ વચ્ચે સંતુલન
જળવાઇ રહેશે તેવું માનવામાં આવે છે. ભારતીય ઇલેવનમાં ફેરફારનો અવકાશ નથી. જિતેશ શર્માએ
કીપર તરીકે પગ જમાવી દીધા છે. આથી સંજૂ સેમસને વધુ એક મેચમાં બહાર બેસવું પડી શકે છે.
ચાઇનામેન બોલર કુલદીપ યાદવ પણ ટીમમાં સ્થાન ખાલી નથી. 3-0ની અતૂટ સરસાઇ બાદ તેના પર
પ્રયોગ થઇ શકે છે. ભારતની ચિંતા કપ્તાન સૂર્યકુમારનું નિસ્તેજ ફોર્મ છે. ટેસ્ટ કેપ્ટન
શુભમન ગિલ પણ સફળ વાપસી કરી શકયો નથી. હાર્દિક પંડયાએ ફરી એકવાર હુકમનો એક્કો બની સાબિત
કરી દીધું છે તેનો વિકલ્પ દૂર દૂર સુધી નથી.
આઇપીએલ
ઓકશન દૂર નથી. આથી આફ્રિકાના કેટલાક જૂના અને નવા ખેલાડી તેમની ચમક છોડવા તત્પર છે.
જેમાં સૌથી મોટું નામ ડેવિડ મિલર છે. તે હરાજીમાં બે કરોડની બોલી સાથે ઉતર્યોં છે.
સારો ભાવ મેળવવા તેણે બીજા ટી-20 મેચમાં આક્રમક ઇનિંગ રમવી પડશે. કપ્તાન માર્કરમ કહી
ચૂકયો છે કે આજે (મંગળવાર) અમારો દિવસ ન હતો. જે અમે ભુલવા માંગીએ છીએ. પાંચ મેચની
શ્રેણી હોવાથી અમારી પાસે વાપસી કરવાની પૂરી તક છે.
મલ્લાંપુરમાં
પહેલો ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાશે. અહીં આઇપીએલના 11 મેચ રમાયા છે. જેમાં પહેલી બેટિંગ
કરનાર ટીમને 6 અને બીજી બેટિંગ કરનાર ટીમને પ મેચમાં જીત મળી છે. મેચ ગુરૂવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.