86ના
સ્તરે પહોંચતાં પેટ્રોલ-ડીઝલ, આયાત પર થશે અસર
નવી
દિલ્હી, તા.10 : ભારતીય ચલણ રૂપિયો અમેરિકન ડોલર સામે આજે 14 પૈસા તૂટીને પહેલી જ વખત
86.6 (અસ્થાયી)ના વિક્રમી નીચા સ્તરે પહોંચી ગયો હતો. અમેરિકી ડોલરના મજબૂત વલણ અને
વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટાપાયે વેચવાલી કરી નાણા પરત લેતાં રૂપિયો સતત
દબાણમાં છે. 
વિદેશી
મુદ્રા કારોબારીઓએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના સતત ઉપર જઈ રહેલા ભાવ અને ઘરેલુ શેરબજારોમાં
નકારાત્મક ભાવનાને કારણે પણ ભારતીય ચલણ પર દબાણ વધ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં
નવી સરકારના પ્રતિબંધાત્મક વ્યાપાર પગલાંઓની આશંકાને પરિણામે પણ માંગ વધવાથી ડોલર મજબૂત
બન્યો છે. 
રૂપિયામાં
આવેલા ભારે ઘટાડાની અસર ઘરના બજેટ જ નહીં, રોકાણ પર પણ પડશે. રૂપિયાના ઘટાડાની સીધી
અસર આયાત પર પડે છે. જેમાં આયાત કરાયેલો સામાન, કાચો માલ સમાવિષ્ટ છે.  ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા કાચું તેલ આયાત
કરે છે. રૂપિયો નબળો પડવાથી કાચું તેલ મંગાવવું મોંઘું બનતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી
શકે છે. વિદેશમાં બાળકોના અભ્યાસ કે ફરવા જવાની યોજના ધરાવનારા લોકોને પણ ડોલર મોંઘો
બનવાથી ખર્ચ વધી શકે છે.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    