સ્પેડેક્સ
મિશન : નવો ઈતિહાસ રચવાને આરે ભારત, 3 મીટર સુધી નજીક આવી છૂટા પડયા સેટેલાઇટ, ડોકિંગ
ટ્રાયલ સફળ
બેંગ્લુરુ,
તા.1ર : ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો નવો ઈતિહાસ આલેખવાના આરે છે. રવિવારે તેણે સ્પેસ
ડોકિંગમાં મહત્ત્વની સફળતા મેળવી હતી. અંતરિક્ષમાં ડોકિંગ પ્રયોગમાં બે સેટેલાઇટ એકબીજાની
અત્યંત નજીક આવ્યા અને હાથ મિલાવવા જેટલા અંતરે નજીક આવ્યા બાદ એકબીજાથી છૂટા પડયા
હતા.
ભારતના
અંતરિક્ષ કાર્યક્રમમાં મહત્ત્વના પ્રયોગમાં ઈસરોએ સ્પેડેકસ મિશન હાથ ધરી ડોકિંગનું
સફળ ટ્રાયલ કર્યું છે, જેમાં બે સેટેલાઇટ પહેલા 1પ મિટર અને પછી 3 મિટર સુધી એકબીજાની
નજીક આવ્યા હતા. ડેટા એનાલિસીસ બાદ આ સમગ્ર પ્રક્રિયા પૂરી થશે. અગાઉ આ પ્રયોગની તારીખ
પહેલા 7 જાન્યુઆરી અને પછી 9 જાન્યુઆરીએ ટાળવામાં આવી હતી. અંતે રવિવારે સ્પેસ ડોકિંગ
એક્સપેરિમેન્ટનું સફળ ટ્રાયલ કરાયું હતું.
બાદમાં બન્ને સેટેલાઇટને સુરક્ષિત અંતરે લઈ જવાયા હતા.
આ પ્રયોગ
બાદ ઈસરોએ જણાવ્યું કે ડેટાનું એનાલિસીસ કરાઈ રહયું છે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા
પૂરી કરાશે. ઈસરોએ 30 ડિસેમ્બરે શ્રીહરિકોટાથી રાત્રે 10 વાગ્યે સ્પેડેક્સ મિશન લોન્ચ
કરવામાં આવ્યું હતું. જે હેઠળ પીએસએલવી-સી60 રોકેટથી બે સ્પેસક્રાફટ પૃથ્વીથી 470 કિમી
ઉપર ડિપ્લોય કરાયા હતા. રશિયા, અમેરિકા અને ચીન બાદ અંતરિક્ષમાં આવો સફળ પ્રયોગ કરનાર
ભારત ચોથો દેશ છે. આ મિશન પર ભારતના ચંદ્રયાન-4 મિશનનો મોટો આધાર છે જ્યારે ચંદ્રની
સપાટી ઉપરથી સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવશે.