• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ગુજરાતમાં ઉત્તરાયણ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા મુખ્યમંત્રી ઉપરાંત 8 કેબિનેટ, 8 રાજ્યકક્ષાના મંત્રી સહિત કુલ 17 મંત્રી કાર્યરત

ત્રણેક મંત્રી પડતાં મુકાય, કોંગ્રેસ છોડી ભાજપમાંથી ચૂંટાયેલા 5માંથી 2 સભ્યને મંત્રી બનાવી મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતા

ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.12 : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સાથોસાથ જિલ્લા સંગઠનની વરણીનું કામ ટૂંકમાં પૂરું થયા બાદ રાજ્યનાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ફરી જોરશોરથી ચર્ચાની એરણ મુકાઈ છે. એમ ચર્ચાઈ રહ્યું છે કે, ઉત્તરાયણ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવના છે. એનાં કારણમાં એવી દલીલ થઈ રહી છે કે, વર્ષ 2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક ઉપર જીત મળ્યા બાદ 5 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં પેટા ચૂંટણી જીત્યા પછી ભાજપના કુલ ધારાસભ્યની સંખ્યા 161 થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ વાવની કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપને જીત મળ્યા બાદ કુલ સભ્ય સંખ્યા 162 થઈ ગઈ છે. દરમિયાનમાં વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે. આવી પરિસ્થિતિમાં ત્રણેક મંત્રી પડતા મુકાય અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાઓ પૈકી 2 અને ભાજપના અન્ય ચારેક ધારાસભ્યના ઉમેરા સાથે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવે તેવી અટકળો ચાલી રહી છે.

રાજ્યમાં હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના મંત્રી અને 8 રાજ્ય કક્ષાના મંત્રી મળીને મંત્રીમંડળનું કુલ કદ 17નું છે પરંતુ ગુજરાત વિધાનસભાના કુલ 182 સભ્યના સંખ્યાબળના 15 ટકા લેખે ગુજરાતમાં વધુમાં વધુ કુલ 27 મંત્રીનું મંત્રીમંડળ બનાવી શકાય તેમ છે અર્થાત્ હાલ 17 સભ્યના મંત્રીમંડળમાં વધુ 10 મંત્રીનો ઉમેરો કરી શકાય તેમ છે. આ તો, નિયમ મુજબની વાત છે પરંતુ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં ભાજપને પડકારી શકે તેવો વિપક્ષ નથી અને ભાજપના ધારાસભ્યની 162ની સંખ્યા જોતા કોઈ 2-5 ધારાસભ્ય સરકાર કે પક્ષથી નારાજ થાય તો પણ સરકાર કે પક્ષને કોઈ મોટો ફેર પડે તેમ નથી.

આમ છતાં અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા જેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સભ્યોને સરકારમાં મંત્રી થવાની ઉતાવળ હોય અને તેઓ યથા-યોગ્ય પ્રમાણે દબાણ લાવતા હોય તેવી પણ ચર્ચા તો છે જ. દરમિયાનમાં વર્તમાન સરકારના પણ કેટલાક મંત્રીઓની નબળી કામગીરી કે તંત્ર ઉપરની પકડના અભાવે સરકારની ફજેતી થઈ રહી હોવા જેવી ફરિયાદો ઉપર સુધી પહોંચી છે. તો, કેટલાક સામે એવી પણ ફરિયાદો છે કે, આ એવા મંત્રીઓ છે કે, તેમને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓ કે કેટલાક અધિકારી સાથે ફાવટ આવતી નથી. જેનાં કારણે પણ આવા મંત્રીઓ હસ્તકના મહત્ત્વના વિભાગો સામે લોકોમાં અસંતોષની લાગણીનો ફીડબેક સરકારમાં ઉચ્ચકક્ષાએ ધ્યાને આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025