• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

બેટ દ્વારકા બાદ હવે ઓપરેશન ડિમોલિશન દ્વારકામાં આરંભાયું

સનસેટ પોઈન્ટ, બંદર વિસ્તાર, રૂક્ષ્મણી મંદિર રોડ પરથી અનઅધિકૃત દરગાહ સહિતના ધાર્મિક દબાણ તોડી પડાયા

 

બેટ દ્વારકામાં 7 દિવસમાં 62.72 કરોડની કિંમતની 21 લાખ ચો.મી. જમીન પરથી 525 જેટલા દબાણ હટાવાયા

 

(ફૂલછાબ ન્યૂઝ)

દ્વારકા, ખંભાળીયા, તા.18 : સમગ્ર ગુજરાતમાં ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય તેવું જણાઈ આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મેગા ડિમોલિશન ઓપરેશનના આઠમા દિવસે યાત્રાધામ બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહથી બુલડોઝર ફેરવી કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કર્યા બાદ આજે બુલડોઝર દ્વારકા પહોંચ્યું છે. આજે સવારે દ્વારકા નજીકના રૂક્ષ્મણી મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એક ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું છે.

બેટ દ્વારકામાં એક સપ્તાહ સુધી ગેરકાયદે બાંધકામ ઉપર ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે હનુમાન દાંડી રોડ તથા નજીકના વિસ્તારોમાં કુલ આઠ રહેણાંક દબાણ હટાવીને 7614 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જેની બજાર કિંમત 3.61 કરોડની થાય છે. આ સાત દિવસ દરમિયાન 62.72 કરોડથી વધુની કિંમતની 21 લાખ ચોરસ મીટર જમીન પરથી 525 જેટલા દબાણ હટાવાયા છે.

દરમિયાન આજે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં સનસેટ પોઈન્ટ, બંદર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે દ્વારકા નજીકના રૂક્ષ્મણી રોડ પર એક અનઅધિકૃત દરગાહ તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મીઠાપુર નજીકના આરંભડા ખાતે પણ ધાર્મિક દબાણનું ડિમોલીશન કરાયું હતું. જાણવા મળ્યા મુજબ દેવભૂમિ દ્વારકામાં અમુક મોટા ગજાના ભૂમાફિયાઓ દ્વારા હાઈવે રોડ પર કિંમતી જમીનો પર ગેરકાયદે બાંધકામ કરી લેવામાં આવ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં કેટલા દિવસ કામગીરી ચાલશે તેની રાહ જોવાઈ રહી છે.

 

ધોરાજીમાં પીપરવાડી વિસ્તારમાં બે ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવાયું

ધોરાજી, તા.18 : શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ દૂર કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કામગીરી ચાલી રહી છે. આજે શહેરના ત્રણ દરવાજાથી ચુનારાપા વિસ્તારમાં આઠ જેટલા શખસ દ્વારા કરાયેલું દબાણ દૂર કરીને અંદાજિત રૂ.75 લાખની જમીન ખુલ્લી કરાવાઈ હતી. પટેલ સાંસ્કૃતિક ભુવનથી બ્લુ સ્ટાર સિનેમાવાળા રોડ તરફ 650 ચોરસ વાર અંદાજે રૂ.1 કરોડની જમીન 30 આસામીના કબ્જામાંથી ખાલી કરાવાઈ હતી. શહેરના પીપરવાડી વિસ્તારમાં અંદાજે 10 જેટલા આસામીઓ દ્વારા ગેરકાયદે કરાયેલું બાંધકામ હટાવાયું હતું જેમાં બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા તેમજ 100 ચોરસ વારના રસ્તાઓ પરના દોઢ કરોડના દબાણો હટાવવામાં આવ્યા હતા. શહેરમાં ગઈકાલે ડિમોલિશનમાં 3 કરોડ 22 લાખથી વધુ રકમની 2150 ચોરસ વાર જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025