પ્રયાગરાજ,
તા.ર3 : મહાકુંભ ર0રપનાં સેક્ટર 17મા ર7મી જાન્યુઆરીએ યોજાનારી ધર્મસભામાં સનાતન બોર્ડનો
મુસદ્દો રજૂ કરવામાં આવનાર છે. જે દિવસને ધર્મની સ્વતંત્રતાનો દિવસ તરીકે ઓળખ આપવામાં
આવનાર છે. દરમિયાન પહેલીવાર હિન્દુ આચાર સંહિતા ઘડાઈ છે જેમાં લગ્ન પ્રસંગોમાં બેફામ
ખર્ચ ન કરવા તથા મહિલાઓ માટેના ખાસ નિયમ ઘડાયા છે. મહાકુંભમાં તેની પ્રસ્તુતિ થશે.
જાણિતા
આધ્યાત્મિક પ્રવક્તા દેવકીનંદન ઠાકુરે ગુરુવારે નિરંજની અખાડામાં યોજાયેલી એક પત્રકાર
પરિષદમાં આવી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આપણો ધર્મ સ્વતંત્ર નથી. આપણાં મંદિરો
સરકારોને આધીન છે. ગુરુકુળ બંધ થયા છે અને ગૌ માતા રસ્તાઓ પર ભટકી રહી છે. આપણે આપણાં
ધર્મ અને સંસ્કૃતિને આગળ વધારવા સનાતન બોર્ડની જરૂર છે. ધર્મ સભામાં તમામ અખાડા, ચારેય
શંકરાચાર્યના પ્રતિનિધિઓ અને સનાતન ધર્મના અગ્રણી લોકો સામેલ થશે. ઠાકુરે સ્પષ્ટ શબ્દોમાં
કહ્યું કે જ્યાં સુધી સરકાર સનાતન બોર્ડનું નિર્માણ નહીં કરે અમે કુંભમાંથી પાછા નહીં
જઈએ.
મહાકુંભમાં
પહેલીવાર એક લાખ સનાતનીઓ સુધી હિન્દુ આચાર સંહિતા પહોંચશે. કાશીના વિદ્વાનો દ્વારા
તૈયાર કરવામાં આવેલી હિન્દુ આચાર સંહિતા પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને સંતોની મંજૂરી
બાદ તેને જનતા સુધી પહોંચાડવામાં આવશે. મૌની અમાવસ્યા બાદ સંત સંમેલનમાં વિહિપ તેને
જાહેર કરશે. 1પ વર્ષ સુધી ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ કાશી વિદ્વત પરિષદની ટીમે
તેને તૈયાર કરી છે. 300 પાનાની આચાર સંહિતામાં હિન્દુ સમાજની કુરીતિઓ સાથે લગ્ન વ્યવસ્થા
પર પણ વિધાન નક્કી કરવામાં આવશે. વિહિપના સંત સંમેલનમાં તેને દેશભરના સંતો સામે જાહેર
કરવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ
જણાવ્યું કે 3પ1 વર્ષ બાદ હિન્દુ સમાજ માટે આચાર સંહિતા તૈયાર કરવામાં આવી છે.