• મંગળવાર, 29 એપ્રિલ, 2025

સાવરકર ઉપર ટિપ્પણી મુદ્દે રાહુલને સુપ્રીમની ફટકાર

ભવિષ્યમાં અપમાનજનક નિવેદનબાજી કરી તો સ્વત: સંજ્ઞાન લેવાની ચેતવણી

નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટે વીડી સાવરકર ઉપર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીનો ઉધડો લીધો હતો અને ટિપ્પણી એકદમ બેજવાબદારીભરી ગણાવી હતી. આ સાથે રાહુલને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં સાવરકર ઉપર કોઈ અયોગ્ય ટિપ્પણી કરવામાં આવશે તો પરિણામ ભોગવવું પડશે અને નિવેદનબાજી ઉપર સ્વત: સંજ્ઞાન લેવામાં આવશે.આ સાથે સુપ્રીમે એક પત્રનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે શું રાહુલ ગાંધીને ખ્યાલ છે કે  ગાંધીજી પોતાને અંગ્રેજોના સેવક લખતા હતા, તો શું આ આધારે એવું માની લેવું કે ગાંધીની અંગ્રેજોના સેવક હતા ? બીજી તરફ રાહુલને એક રાહત પણ મળી હતી. જેમાં સમન રદ કરવાનો ઈનકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર શીર્ષ અદાલતે રોક મુકી હતી.

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની પીઠે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાવરકર સામે હવે કોઈ અપમાનજનક ટિપ્પણી ન કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાવરકરની પૂજા કરવામાં આવે છે. વીર સાવરકર ઉપર રાહુલ ગાંધીની માફીવીર ટિપ્પણી મુદ્દે સુપ્રીમે કહ્યું હતું કે સ્વતંત્રતા સેનાનીઓની મજાક ઉડાવવામાં ન આવે. બેંચે રાહુલ ગાંધીના વકીલ મનુ સંઘવીને પુછ્યું હતું કે શું રાહુલ ગાંધીને ખ્યાલ છે કે મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજો સાથેના સંવાદમાં ‘તમારો વફાદાર સેવક’ શબ્દનો ઉપયોગ કર્યો હતો ?તો આ આધારે એવું માની લેવામાં આવે કે મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતા ? હકીકતમાં તે સમયે અંગ્રેજો સાથેના પત્ર વ્યવહારમાં લોકો વફાદાર સેવક જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. ગાંધીજી પણ આવી જ રીતે અંગ્રેજોને પત્ર લખતા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે શું રાહુલ ગાંધી જાણે છે કે તેમના દાદી ઈન્દિરા ગાંધીએ પણ એક પત્ર લખ્યો હતો જેમાં વીર સાવરકરની પ્રશંસા કરવામાં આવી હતી ?આ માટે રાહુલે સ્વતંત્રતા સેનાનીઓ ઉપર નિવેદનબાજી કરવી જોઈએ નહી. જ્યારે દેશના ભુગોળ અને ઈતિહાસની કોઈ જાણકારી ન હોય ત્યારે આવા નિવેદનો આપવા જોઈએ નહી.

બેંચે સાવરકર સામેની ટિપ્પણી મુદ્દે થયેલા માનહાનીના કેસમાં રાહુલ ગાંધી સામેનું સમન રદ કરવાનો ઈનકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર રોક મૂકી હતી. તેમજ યુપી સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. હકીકતમાં આ પુરો મામલો 2022મા શરૂ થયો હતો. જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલામાં રહેલી કરી હતી અને એક પત્ર બતાવતા કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોના નોકર બનવાની વાત કરી હતી. તેમજ ડરીને માફી માગી હતી. આ ટિપ્પણી ઉપર રાહુલ ગાંધી સામે કેસ થયો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક