જૂનાગઢ, તા.29: રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે. આના ભાગરૂપે, પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવકાર્ય (રિલીફ અને રેસ્ક્યૂ ઓપરેશન્સ) માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં આવી છે. આ ટીમે રેસ્ક્યૂની આધુનિક સાધન સામગ્રી સાથે પોરબંદર ખાતે આવીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. એનડીઆરએફ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર - 0286-2220800 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-એસડીઆરએફની એક ટુકડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આશરે 20 પોલીસ યુવાનો સાથેની આ એસડીઆરએફની ટીમ ગઈકાલ રાત્રે બોટ, લાઈફ જેકેટ, દોરડા, લાઈટ સહિતના રાહત બચાવના અદ્યતન સાધનો સાથે જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    