ભારતથી બચવા હવાતિયા મારતા કૌભાંડીની મુશ્કેલીમાં વધારો
નવી
દિલ્હી, તા.10: લલિત મોદીની હાલત ન ઘર, ન ઘાટનાં જેવી થઈ ગઈ છે. ભારતનાં કાનૂની સકંજાથી
બચવા માટે આઈપીએલનાં પૂર્વ પ્રમુખ અને કૌભાંડી લલિત મોદીએ ભારતની નાગરિકતા ત્યજીને
ટચુકડા દેશ વાનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. જો કે આમાં પણ તેને મોટો ઝટકો લાગ્યો
છે. વાનુઆતુનાં વડાપ્રધાન જોથમ નાપતે મોદીનાં પાસપોર્ટને રદ કરી નાખવાનો આજે હુકમ કરી
દીધો હતો.
વાનુઆતુની
સરકારનું કહેવું છે કે, ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે દક્ષિણ પ્રશાંત મહાસાગરનાં
આ દેશમાં નાગરિકતા મેળવવા માટે લલિત મોદી પાસે કોઈ ઉચિત કારણ નથી. ઉલ્લેખનીય છે કે,
લલિત મોદી કથિત આર્થિક ગોટાળાનાં કારણે ભારતમાં વોન્ટેડ છે. વાનુઆતુનાં પ્રધાનમંત્રીએ
પોતાનાં દેશનાં નાગરિકતા આયોગને લલિત મોદીને જારી કરવામાં આવેલો પાસપોર્ટ રદ કરી નાખવાની
સૂચના આપી દીધી છે. વાનુઆતુનાં વડાપ્રધાને કહ્યું હતું કે, લલિત મોદીનાં પાસપોર્ટનાં
આવેદન દરમિયાન ઈન્ટરપોલ ક્રીનિંગ સહિત તમામ માપદંડોમાં કોઈ અપરાધિક દોષસિદ્ધિ થઈ નહોતી.
છેલ્લા 24 કલાકમાં જ જાણ થઈ છે કે, ઈન્ટરપોલે બેવાર મોદી સામે એલર્ટ નોટિસ જારી કરવાનાં
ભારતીય અધિકારીઓનાં અનુરોધને પુરાવાનાં અભાવે ખારિજ પણ કરેલા. આ પ્રકારનાં કોઈપણ એલર્ટથી
મોદીનાં નાગરિકતા આવેદનનો સ્વત: જ અસ્વીકાર કરી દેવામાં આવે છે.
વાનુઆતુનાં
વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, તેમનાં દેશનો પાસપોર્ટ એક વિશેષાધિકાર સમાન છે. આવેદકોએ
વૈધ કારણોથી જ નાગરિકતા લેવી જોઈએ.
વાનુઆતુ સરકારે છેલ્લા ચાર વર્ષમાં રોકાણ કાર્યક્રમ દ્વારા પોતાની નાગરિકતાનાં ઉચિત
પરિમાણોને પણ ખુબ જ મજબૂત કર્યા છે.