- ઈડીની ટીમ ઉપર ઈંટ ફેંકાઈ, કાર રોકવાનો પ્રયાસ : પુત્ર ચૈતન્ય ઉપર પણ સકંજો, શરાબ કૌભાંડમાં 14 અલગ અલગ સ્થળોએ એકસાથે કાર્યવાહી : 30 લાખ રોકડ અને અન્ય સામગ્રી મળી
નવી
દિલ્હી, તા. 10 : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને તેના પુત્ર ચૈતન્ય બધેલ
સંબંધિત પરિસરો ઉપર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીની ટીમ દ્વારા સોમવારે
અલગ અલગ 14 સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. જાણકારી અનુસાર કાર્યવાહી મની લોન્ડરીંગ
મામલા સંબંધિત કથિત શરાબ કૌભાંડમાં કરવામાં આવી છે. ઈડીની ટીમ ભિલાઈ સ્થિત ભુપેશ બધેલના
નિવાસેપહોંચી હતી અને નોટ ગણવાના મશિન મગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈડીની ટીમ ઉપર
હુમલો કરવામાં આવ્યો હતો. ઈડીના દરોડા દરમિયાન 30 લાખ રૂપિયા રોકડ, પેન ડ્રાઈવ અને
અમુક દસ્તાવેજ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. ભુપેશ બધેલે આ મામલે કહ્યું
હતું કે તેઓ લેખિતમાં રોકડ અંગે જવાબ આપશે.
ઈડીની
ટીમ ઉપર હુમલો સમયે થયો જ્યારે અધિકારીઓ બધેલના
ઘરેથી બહાર આવી રહ્યા હતા. ઈડીની ટીમ આ હુમલા મુદ્દે એફઆઈઆર નોંધવે તેવી પણ સંભાવના
છે. કેન્દ્રીય એજન્સી અંદાજીત 2000 કરોડ રૂપિયાના એક કૌભાંડની તપાસ કરી રહી છે. જેમાં
તત્કાલીન ભુપેશ બધેલની સરકારના કાર્યકાળમાં આઈએએસ અધિકારી અનિલ ટુટેજન, આબકારી વિભાગના
એમડી એપી ત્રિપાઠી અને કારોબારી અનવર ઢેબરની સિંડિકેટ ઉપર કૌભાંડના આરોપ લાગ્યા છે.
ઈડીની ટીમ સવારે સાત વાગ્યે ભુપેશ બધેલના ભિલાઈ સ્થિત બંગલે દરોડા માટે પહોંચી હતી.
બીજી તરફ દરોડાની જાણકારી મળતાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોની ભીડ બંગલે એકત્રિત થવા
લાગી હતી. કહેવાય છે કે ઈડીની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સીઆરપીએફ જવાનો
વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
ઈડી
સુત્રોના કહેવા પ્રમાણે ટીમ ઉપર ઈંટ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીની કાર ઉપર પથ્થર ફેંકરનારા શખસને સુરક્ષાદળ
કર્મચારીઓએ સ્થળ ઉપરથી જ પકડી લીધો હતો. વધુમાં બધેલના સમર્થકોએ ઈડીની કારને રોકવાની
કોશિશ પણ કરી હતી. આવાસે ઈડીના દરોડા બાદ ભુપેશ બધેલે કહ્યું હતું કે સવારે ઈડીની ટીમ
આવી હતી અને તેમણે ટીમનું સ્વાગત કર્યું હતું. ઘરમાંથી 30-33 લાખ રૂપિયા મળ્યા છે તે
અંગે લેખિતમાં જવાબ આપવામાં આવશે.