• બુધવાર, 12 માર્ચ, 2025

‘હું થાકી છું, મારે અને મારા બાળકોએ હવે જીવવું નથી’

અમદાવાદમાં ત્રણ સંતાનો સાથે પરિણીતાનું અગ્નિસ્નાન, માતા-પુત્રનું મોત

સાસુ-સસરાને ઉદ્દેશીને લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું : મને દીકરી ગણીને વિદાય આપજો, વહુ તરીકે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 13: શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેમને ચારેયને હોસ્પિટલમાં દાખલ કરાતા માતા અને પુત્રનું મોત નીપજ્યુ છે, જ્યારે બે બાળકીઓ સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર પરિણીતા કૃપા પંચાલ તેના પતિ, એક પુત્ર વ્રજ અને બે પુત્રીઓ મેશ્વા અને દિવ્યા સાથે શહેરના ઓઢવ વિસ્તારમાં રહે છે. આજે સવારે પરિણીતાએ તેનાં ત્રણેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઓઢવ પોલીસ દ્વારા પરિણીતાના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. પરિણીતાએ સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. પરિણીતાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી-પપ્પા હું બહુ થાકી ગઈ છું. મારે અને મારા છોકરાને જીવવું નથી. મારા ગયાં પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો તમારી વહુ તરીકે નહી. મારે તમારા ઘરે પાછું નથી આવવું, હું કોઈના પર બોજો બનવા માંગતી નથી. આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામોનિશાન ન રહેવું જોઈએ, હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશો જ ફરક નથી પડતો. બસ હવે હું જઉં, પપ્પા-મમ્મી, તમે અમને લોકોને યાદ કરીને રડતાં નહીં. તમે લોકો હંમેશાં ખુશ રહેજો.

ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને હાલ પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક