સીસીઆઇમાં નોંધણી માટે 15 માર્ચ છેલ્લો દિવસ : ગુજરાતમાં પ્રેસિંગનો આંકડો 5 લાખ ગાંસડી ઘટાડાયો
રાજકોટ, તા.11(ફૂલછાબ ન્યૂઝ): ગુજરાતમાં કપાસની આવક શરૂ થયાને પાંચ માસ પૂર્ણ થયા છે. એ દરમિયાન ગુજરાતની જિનીંગ મિલોમાં ફેબ્રુઆરી મહિનાનું 9,80,104 ગાંસડી મળીને કુલ 47,66,325 ગાંસડીનું પ્રેસિંગ કરવામાં આવ્યું છે. પાછલા વર્ષની તુલનામાં કુલ પ્રેસિંગ અગાઉના વર્ષ કરતા 19 ટકા ઓછું છે. પાછલા વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં 59,06,616 ગાંસડીનું પ્રેસિંગ કરવામાં આવ્યું હતુ. વાર્ષિક ધોરણે 11,43,815 ગાંસડી ઓછી બની છે. દરમિયાન સીસીઆઇએ ખેડૂતોને 15 માર્ચ સુધીમાં વેચાણ માટેની નોંધણી કરાવવાની સૂચના આપી છે. એ પછી નોંધણી નહીં થાય.
કપાસના ભાવમાં એકધારી મંદી ઉપરાંત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવથી સતત ખરીદી ચાલુ રહેવાને લીધે માર્કેટ યાર્ડમાં આવક પાંખી થઇ છે. પ્રેસિંગ એ કારણથી ઓછું રહ્યું છે. કપાસની ખરીદી મણે રૂ. 1504ના ટેકાના ભાવથી સીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. સીસીઆઇએ ગુજરાતમાંથી કુલ 10.66 લાખ ગાંસડીની ખરીદી કરી છે. 15 માર્ચ સુધી સીસીઆઇમાં નોંધણી ચાલુ છે અને કોઇ ખેડૂત વેંચવા ઇચ્છે તો નોંધણી કરાવીને બાદમાં માલ આપી શકે છે.
અમદાવાદથી કપાસના એક અગ્રણી બ્રોકર કહે છે કે, ગુજરાતમાં 80 લાખ ગાંસડીનું પ્રેસિંગ અલગ અલગ જિનોમાં થાય એવી ધારણા હતી પરંતુ હવે 75 લાખ ગાંસડીનો અંદાજ કરવામાં આવ્યો છે. આ અંદાજ પ્રમાણે કુલ 63 ટકા પ્રેસિંગ થઇ ગયું છે એમ કહી શકાય. મંડીઓમાં થતી નબળી આવક અને સીસીઆઇની સક્રિયતાને લીધે ગુજરાતમાં ઓછી ગાંસડી બંધાશે. જોકે સીસીઆઇએ જે ગાંસડી ખરીદી છે એ પ્રાઇવેટ જિનો રાખીને બંધાવી હોય છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં આશરે 480 જેટલી જિનીંગ મિલો ચાલુ હતી. જોકે જિનીંગ ઘણું ધીમું પડી ગયું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેક્ટરીઓ ચાલુ છે પણ પૂર્ણ ક્ષમતાથી કામકાજ થતું નથી. સીસીઆઇ ખરીદી બંધ કરશે ત્યારે જિનીંગમાં વધારે કામકાજ થાય એવી ધારણા છે.
બીજી તરફ માર્કેટ યાર્ડમાં ગુજરાતમાં 80-90 હજાર ગુણીની જ આવક થઇ ગઇ છે. કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં મણે રૂપિયા 1100-1470 આસપાસ ચાલે છે. ટેકાનો ભાવ સરકારે રૂ. 1504 નક્કી કર્યો છે. સ્પિનરોને અત્યારે સારા માલ મળવા મુશ્કેલ છે. કાચા માલની આવક નબળી છે એટલે સ્પિનરોને હવે સીસીઆઇ પર આધાર રાખવો પડશે. સીસીઆઇની વેચવાલી વધશે એટલે સ્પિનરો એ તરફ વળી જશે. સીસીઆઇ દ્વારા પાછલા સપ્તાહે રૂનું વેચાણ શરૂ કર્યું હતુ પણ બજાર ભાવથી ઉંચી ઓફર હોવાને લીધે ખાસ સોદા થઇ શક્યા ન હતા.