• બુધવાર, 12 માર્ચ, 2025

ગરમીનો પ્રકોપ : આજે રાજકોટ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ

કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ

ભૂજ 42 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી : રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરના તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

અમદાવાદ, તા. 10: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શરૂઆતમાં જ ઉનાળો બરોબરનો જામ્યો છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને આવતીકાલે 11 માર્ચે 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ સહિત અનેક સ્થળોએ તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડવા લાગ્યો છે. અને અંગ દઝાડતો તાપ વર્તાવા લાગ્યો છે.મોટાભાગના સેન્ટરો પર મહતમ તાપમાનમાં સામાન્ય કરતા 2થી 7 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જયારે 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ‘હોટેસ્ટ’ શહેર રહ્યું હતું. 

12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે.

હવામાન નિષ્ણાતોના અનુસાર 11 માર્ચથી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

નિષ્ણાતો એમ પણ જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં 36 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે. રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું જોવા મળશે પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ અસહ્ય હશે. 14 માર્ચથી રાજ્યના હવામાનમાં પલટો આવશે. અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને બેથી ચાર ડિગ્રી સુધી તાપમાન નીચું જશે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે તે 14 માર્ચ પછી દક્ષિણ-પૂર્વ તરફથી પસાર થઈ શકે. આ સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું આવે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાનો ઉપયોગ કરો.

ઇ-પેપરના નવા શુલ્ક