• બુધવાર, 12 માર્ચ, 2025

ઓર્ગેનિકના નામે કેમિકલયુક્ત ગોળ બનાવવાનું કૌભાંડ પકડાયું ચેતજો, ગોળધાણા અને અથાણાનો સ્વાદ બગડી જશે

ગીર સોમનાથ વિસ્તારમાં ત્રણ રાબડાંમાં 1.15 લાખની કિંમતના જોખમી કેમિકલ મળ્યાં

વેરાવળ, તાલાલા, તા. 13: (ફૂલછાબ ન્યૂઝ) દેશી ગોળ અને ઓર્ગેનિક ગોળના રૂપકડાં નામથી મળતા રાબડાંના ગોળમાં ય ક્યારેક છેતરાઇ જાવ એવું બની શકે છે. ગીર સોમનાથ વિસ્તારમાં અખાદ્ય-ઔદ્યોગિક કેમિકલના ઉપયોગથી બનાવવામાં આવતા કહેવાતા ઓર્ગેનિક ગોળના ત્રણ રાબડાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવતા ગોળરસિકો સમસમી ગયા છે. એસઓજીએ ત્રણ રાબડાંની સાથે બે ગોદામ પર છાપો મારતા રૂ. 1.15 લાખની કિંમતનો કેમિકલ અને એસિડનો જથ્થો પકડાયો છે. આ જથ્થો ગોળ બનાવવામાં વપરાતો હતો.જિલ્લા પોલીસ વડા મનોહરાસિંહજી જાડેજાની આગેવાનીએ એસઓજીની ટૂકડીએ તાલાલાના સુરવા ગામે શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ કે જેની કિંમત રૂ. 9500, 50 કિલો સેફોલાઇટ, જેની કિંમત રૂ.12500 અને 280 લીટર ઔદ્યોગિક એસિડ, કિંમત રૂ. 2800 જપ્ત કર્યા છે.

એ ઉપરાંત માધુપુર રોડ પર ભાગ્યોદય ગોળમાંથી રૂ.1200ની કિંમતનું 6 કિલો સોડિયમ હાઇડ્રો સલ્ફાઇટ, રૂ. 2985ની કિંમતનું 12 કિલો સેફોલાઇટ પકડાયું છે. જ્યારે સૂત્રાપાડાના ખાંભા ગામે ત્રિદેવ ગોળમાંથી રૂ.200નું એક કિલો હાઇડ્રો સલ્ફાઇટ પકડાયું છે. જ્યારે ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. 50 હજારનું 200 કિલો સેફોલાઇટ, માધવ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. 36 હજારનું 200 કિલો સેફોલાઇટ એમ કુલ મળીને 1 લાખ 15 હજારની કિંમતના કેમિકલ્સ-સામગ્રી કે જે ગોળ બનાવવામાં વપરાતી હતી તે કબ્જે કરીને નમૂના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

સોરઠ વિસ્તાર ગોળ બનાવવા માટે પ્રખ્યાત છે. સીઝનમાં 150-200 જેટલા ગોળના રાબડાં ધમધમતા હોય છે. જોકે ક્યાંય કોઇ જાતનું ચાકિંગ ભાગ્યે જ થાય છે. લોકો હોંશે હોંશે સારાંમાં સારો ગોળ ખરીદીને બાર મહિના માટે ભરતા હોય છે.એસઓજીએ અચાનક છાપો મારતા ઓર્ગેનિક ગોળના નામે ચાલતું કૌભાંડ બહાર આવ્યું છે. આ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરાય તો કૌભાંડનો રેલો વધુ આગળ વધવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક