• બુધવાર, 12 માર્ચ, 2025

ખેડામાંથી 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત

પ્રિન્ટર, નોટ છાપવાના કાગળ સાથે બે આરોપીની ધરપકડ, કેટલા સમયથી નોટ છપાય છે, ક્યાં ક્યાં અપાઈ તેની સઘન તપાસ

અમદાવાદ તા. 13  : (ફૂલછાબ ન્યૂઝ) નડિયાદમાંથી નકલી ચલણી નોટનું કૌભાંડ બહાર આવ્યું છે. એ ફોર માપના કાગળમાં નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ- એસઓસજીએ કર્યો છે. આરોપીઓ મકાન ભાડે રાખીને આ ગેરકાનુની ધંધો કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. દરોડો પાડીને પોલીસે રૂ. 500, 200 અને 100ના દરની રૂ. 1 લાખ, 3 હજારની ચલણી નોટો જપ્ત કરી છે. નડિયાદના વ્હોરાવાડમાં એસઓજીએ પાડેલા આ દરોડાના પગલે સમગ્ર શહેરમા ચર્ચા શરૂ થઈ છે.

થોડા દિવસો પુર્વે મળેલી બાતમીના આધારે પોલીસે અહીંયા દરોડો પાડી સર્ચ કરતા જુદા જુદા દરની 500-200 અને 100ના દરની ચલણી નોટો મળી આવી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે ઈસમો મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ મળી આવતા સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસને એક પ્રિન્ટર પણ મળી આવ્યું હતું. 

પોલીસે જિક અને બેંક અધિકારીને ખરાઈ કરવા બોલાવતા આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 500ના દરની કુલ 135 નંગ નોટ, 200ના દરની 168 નંગ નોટ અને 100ના દરની 25 નંગ મળી કુલ 328 નોટો બનાવટી કુલ કિંમત રૂપિયા 1 લાખ 3 હજાર 600ની મળી આવી હતી. આ નકલી ચલણી નોટો ક્યારથી બનાવતા હતા અને બજારમાં ફરતી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત બંને ઈસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક