• બુધવાર, 12 માર્ચ, 2025

શિયાળો વિદાય તરફ : ચાર શહેરમાં મહતમ તાપમાન 35 ડિગ્રીને પાર

હાલ બેવડી ઋતુનો અનુભવ, સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ

રાજકોટ, તા.14: ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા બાદ હવે બીજા સપ્તાહ દરમિયાન ઠંડીનું જોર ધીમું પડયું છે. ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. અને આગામી દિવસોમાં ઠંડીનું જોર સાવ ઓછું થઈ જવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,જેમાં સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, રાજ્યમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. પરંતુ હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે કારણ કે ચાર શહેરમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી અથવા તેનાથી પણ વધુ રહ્યો હતો.

રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટયું છે, જ્યારે મહતમ તાપમાન યથાવત્ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળ પર મહતમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ નોંધાયો છે. ગતરોજ રાજ્યના ચાર સ્થળ પર મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી અથવા તેનાથી પણ વધુ રહ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી હતું. તથા સૌથી વધુ મહતમ તાપમાન રાજકોટમાં 35.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં લઘુતમ અને મહતમ તાપમાન યથાવત્ રહ્યું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ તથા મહતમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 35.9 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 35 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક