મગફળી
વાવવામાં ખેડૂતોને ઉંડો રસ પણ વરસાદની અછત : વાવેતર 18-19 લાખ હેક્ટરથી વધે નહીં તેવી
શક્યતા
રાજકોટ,તા.8:
(ફૂલછાબ ન્યૂઝ) સર્વોત્તમ ગુણવત્તાની મગફળીના ઉત્પાદનનું ઘર ગણાતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં
ઉતારા-ઉત્પાદન અને ભાવ સંબંધી સાનુકૂળતા છતાં વરસાદની અછતને લીધે વાવેતર-ઉત્પાદનના
ગણિત બદલાઇ જાય તેમ છે. મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર એવા જામનગર, દ્વારકા, પોરબંદર,
રાજકોટ, કચ્છ, મોરબી તથા સુરેન્દ્રનગરમાં માત્ર નામપૂરતો વરસાદ થયો છે એટલે હજુ વાવણી
70-80 ટકા જગ્યા પર બાકી છે કે જૂજ થઇ છે. અલબત્ત જૂનાગઢ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ
ખૂબ થયો છે એટલે પાક અંગે થોડો આશાવદ પણ છે.
મગફળીનું
વાવેતર પાછલી મોસમમાં 22 લાખ હેક્ટરની રેકોર્ડબ્રેક સપાટી સુધી પહોંચ્યું હતુ. મગફળીના
ખૂબ સારાં ભાવ અને ટેકાના ભાવમાં ચાલુ વર્ષે વધારો થવાથી 22 લાખ હેક્ટર ઉપર વાવેતર
પહોંચે તેવી આશા હતી. જોકે હવે આ આંકડો માત્ર કલ્પનાઓમાં જ રહી જાય તેવી સંભાવના છે
કારણકે જુલાઇના બીજા સપ્તાહ સુધ માત્ર 6-7 લાખ હેક્ટરમાં ગુજરાતમાં વાવેતર છે.
સીંગદાણા-મગફળીના
બ્રોકરો કહે છે, અમારા મતે હવે 15થી 19 લાખ હેક્ટર વિસ્તાર સુધી જ વાવેતર સિમિત થઇ
જાય એવું ચિત્ર ઉપસી રહ્યું છે ! આ આંકડો ચોંકાવનારો છે. મગફળીની ટેકાના ભાવથી 18 લાખ
ટન જેવી ખરીદી પછી પણ ખેડૂતોને રૂ.
1700-1900
સુધીના ભાવ ટોપ માલમાં મળ્યા છે એટલે વાવેતર માટે ઉંડો રસ હતો. વરસાદના કારણને લીધે
કદાચ એ શક્ય નહીં બને.
જૂનાગઢ,
ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર જેવા ચુનંદા જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડયો છે. જોકે જામગનર,
રાજકોટ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં મોસમનો વરસાદ 10 ટકાથી
ઘણો ઓછો છે. અનેક તાલુકા તો હજુ વરસાદ વિહોણા છે ત્યારે કિસાનો વાવેતર જ કરી શક્યા
નથી તેમ બ્રોકરો કહે છે. મંગળવાર સુધી જ્યાં વરસાદ પડયાં ત્યાં હવે વાવણીની કામગીરી
શરૂ થશે એટલે સરકારી આંકડા 6-7 લાખ હેક્ટરથી વધીને આવશે પણ 18-19 લાખ હેક્ટરની મર્યાદામાં
રહે તેવી શક્યતા છે.
રાજકોટના
એક જાણકાર કહે છે, ભૂતકાળમાં 10થી 15 જુલાઇએ જ વાવેતર થતાં એવો સમય હતો. પાછલા કેટલાક
વર્ષોમાં વરસાદ વહેલો થાય છે એટલે વાવણી પણ વહેલી થાય છે. આમ જે જિલ્લા-તાલુકા વરસાદ
વિનાના છે ત્યાં સપ્તાહમાં વાવણીલાયક વરસાદ પડે તો મગફળીનો વિસ્તાર 20 લાખ હેક્ટર સુધી
પણ પહોંચી શકે છે. જોકે વરસાદ ખૂબ જ આવશ્યક છે. પંદરેક દિવસ હજુ વરસાદ ન પડે તો મગફળી
અને કપાસનો સમય જતો રહેશે એટલે ખેડૂતો સોયાબીન, ગવાર કે એરંડા જેવા પાક તરફ વળવા લાગશે.
મગફળી
સહિતના પરંપરાગત અને મોટું ઉત્પાદન ધરાવતા કપાસ જેવા પાક માટે આગામી દસેક દિવસ ખૂબ
જ મહત્વના છે. એના આધાર ઉપર જ નવું ઉતપાદન નક્કી થશે. વરસાદમાં વિલંબ થયે ખેડૂતો ક્યા
પાક તરફ ઢળે છે તેના પર સતત નજર રાખવી પડશે.