બે
મહિનામાં વન્યપ્રાણીઓના હુમલામાં ત્રીજું માનવ મૃત્યુ, ગ્રામજનોમાં ભારે રોષ
ભાવનગર,
તા.8 : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે નરભક્ષી દીપડાના હુમલામાં 10
વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ભય અને શોકની લાગણી છવાઈ ગઈ છે. સતત
વધી રહેલા વન્યપ્રાણીઓના હુમલાઓને કારણે ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા
મળી રહ્યો છે.
નિત્યકુમાર
પ્રકાશભાઈ ગોંડલિયા (ઉં.વ.10) શાળાએથી સાઇકલ પર પોતાના પિતા પાસે મોભિયાણા જઈ રહ્યો
હતો. બાંભણિયા-મોભિયાણા માર્ગ પર ઝાડીઓમાંથી અચાનક ત્રાટકેલા દીપડાએ તેના પર જીવલેણ
હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું
મોડું થઈ ચૂક્યું હતું.
આ ઘટના
બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે મહુવા ગ્રામ્ય વિસ્તારમાં
દીપડા અને અન્ય વન્યપ્રાણીઓના વધતા આતંક અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં વન વિભાગ અસરકારક
કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા
બે મહિનામાં મહુવા પંથકમાં વન્યપ્રાણીઓના હુમલામાં આ ત્રીજું માનવ મૃત્યુ છે. અગાઉ
કંટાસર ગામે પાંચ વર્ષની બાળકી દિવ્યાબા દીપડાનો ભોગ બની હતી, જ્યારે ગઢડા ગામે બાઈક
બંધ પડી જતાં નાગજીભાઈ ગુજરિયા પર સિંહે હુમલો કરી તેમનો જીવ લીધો હતો.
સળંગ
ત્રીજી જીવલેણ ઘટનાએ મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.
ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓમાં અસુરક્ષાની લાગણી વધી છે. ગ્રામજનોએ હિંસક દીપડાને
તાત્કાલિક પાંજરે પૂરવા, સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રાલિંગ ગોઠવવા અને માનવજીવનની
સુરક્ષા માટે કડક પગલાં લેવા વન વિભાગ સમક્ષ ઉગ્ર માગ કરી છે.