રાષ્ટ્રપતિ
પ્રબોવો સાથે પહોંચીને પૂજા-અર્ચના કરી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા રવાના
જાકાર્તા,
તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે
યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ 1000 વર્ષ જૂના
આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક અદ્ભુત તસવીરો અને
વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે, ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે
અને બંને દેશ વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.
મોદી
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે
વિમાનમાંથી જ મંદિરનાં ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાએ
યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન મંદિરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો
શુભારંભ કર્યો, જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્ત્વપૂર્ણ પડાવ
ગણવામાં આવી રહ્યો છે. આ પહેલાં મંગળવારે બંને દેશે મંદિરનાં સંરક્ષણ અંગે એક લેટર
ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી.