2010
પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા સહિતની માગ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.8: સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવા અંગે લેવાયેલા
એક મહત્ત્વના નિર્ણય બાદ રાજ્યભરમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં
ભરતી થયેલા અનુભવી શિક્ષકો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અગાઉ રાજ્યના તમામ
જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ધરણા કરવા છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક
પ્રતિસાદ ન મળતા હવે શિક્ષકોએ પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી
11 જુલાઈએ ગાંધીનગરના સેક્ટર 6 માં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ રાજ્યસ્તરીય ધરણા પ્રદર્શનનું આયોજન
કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક
સંઘના સંયુક્ત આહ્વાન પર યોજાનારા આ આંદોલનમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાંથી
30,000થી વધુ શિક્ષકો ઉમટી પડશે અને સરકાર સામે શક્તિ પ્રદર્શન કરશે.
આંદોલન કરી રહેલા શિક્ષકો અને શૈક્ષિક
સંઘોનો મુખ્ય દાવો છે કે જે તે સમયે એટલે કે વર્ષ 2010 પહેલા જ્યારે તેઓ સેવામાં જોડાયા
ત્યારે તત્કાલીન સરકારી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ જ તેમની કાયદેસર ભરતી કરવામાં
આવી હતી. કારકિર્દીના આ તબક્કે તેમની પાસે ફરીથી લાયકાત પરીક્ષાની માગ કરવી તે અન્યાયી
છે, તેથી તેમને આ નિયમમાંથી કાયમી મુક્તિ મળવી જોઈએ.