• ગુરુવાર, 09 જુલાઈ, 2026

સુરતમાં આકાશી આફત ઓસરી : તારાજીના દ્રશ્યો કાપડ,જરી અને ઇલેક્ટ્રોનિક્સ બજારને કરોડોનું નુકસાન

મેટ્રો-ફ્લાયઓવરની આડાશો નડી, ડ્રેનેજ ન ખૂલતાં કાપડ માર્કેટ, ઇલેક્ટ્રોનિક્સ બજાર સહિતની દુકાનોમાં પાણી ફરી વળતાં કરોડોનો સ્ટોક કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો

 

સુરત, તા.8: સુરત પર તૂટી પડેલી આકાશી આફતે ડાયમંડ અને ટેક્સટાઇલ સીટીને ઘમરોળી નાખી છે. બે દિવસના અનરાધાર 18 ઇંચથી વધુ વરસાદ બાદ આજે ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય, પરંતુ પૂરના પાણી ઓસરતાની સાથે જ આર્થિક પાટનગર સુરતમાં તારાજી અને બરબાદીના કંપાવનારા દૃશ્યો સામે આવ્યા છે. સોસાયટીઓથી લઈને કાપડ માર્કેટ, ઇલેક્ટ્રોનિક્સ બજારો અને ભોંયતળિયાની હજારો દુકાનોમાં પાણી ફરી વળતાં વેપારીઓનો કરોડોનો સ્ટોક કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો છે. મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલતી આ આપત્તિ વચ્ચે, હજુ પણ ખાડી પૂર અને       ગટરિયા પૂરની દહેશત સુરતીઓના માથે તોળાઈ રહી છે.

વરાછા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત મોબાઇલ માર્કેટ ‘પોદાર આર્કેટ’ તેમજ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ગેઝેટની દુકાનોમાં આજે સાંજ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. ડ્રેનેજના ઢાંકણા સમયસર ન ખોલાતા મનપાની ઘોર બેદરકારી છતી થઈ છે, જેને પગલે વેપારીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત, મેટ્રો અને ફ્લાયઓવરના બાંધકામ માટે લગાવવામાં આવેલી પતરાની આડાશોના કારણે પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જળભરાવની સ્થિતિ વધુ ગંભીર બની હતી. લક્ષ્મણનગરમાં કાપડની દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટો સ્ટોક બગડી ગયો છે અને વેપારીઓ પલળેલા માલને સગેવગે કરતાં નજરે પડયા હતા.

કાપડ, જરી અને થ્રેડ ઉદ્યોગને ભયંકર ફટકો: સહાયની માગ

શહેરમાં કાપડ બજારની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક છે. પાવર કટ હોવાને કારણે આજે મોટાભાગની માર્કેટો બંધ રહી હતી અને વેપારીઓ પમ્પની મદદથી દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં વ્યસ્ત રહ્યા હતા. સુરત એમ્બ્રો થ્રેડ અને જરી એસોસીએશનના પ્રમુખ તુષાર કુવડિયાએ જણાવ્યું હતું કે, થ્રેડ અને જરી ઉદ્યોગને આ વરસાદી પાણીથી મોટું નુકશાન થયું છે. સંગઠન     દ્વારા નુકશાનીનો અંદાજ મેળવવા વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. વેપારીઓએ મનપા પાસે તાત્કાલિક પાણીનો નિકાલ કરવા, નુકસાનીનો સર્વે કરી યોગ્ય આર્થિક રાહત અને સહાય જાહેર કરવા માગ કરી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દક્ષિણ ગુજરાતમાં રાહત અને બચાવ કામગીરીનું કરશે નિરીક્ષણ

વરસાદગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા 11 નાગરિકને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી. વરસાદી આફતની તાકીદની ચર્ચા વચ્ચે, રાજ્યના ભવિષ્યને લઈને પણ એક મોટો અને સકારાત્મક નિર્ણય લેવાયો હતો. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ ગુજરાત માટે એક સુદૃઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક