• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ઉમરાળા હાઇ-વે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

દારૂની 15 હજાર બોટલ, 2 હજાર બિયરના ટીન સહિત કુલ રૂ.53.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો : એક શખસને ઝડપી લેવાયો

ઉમરાળા, તા.9 : ઉમરાળા હાઇ-વે પર ટેન્કરમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી વલભીપુરથી ઉમરાળા તરફ આવી રહેલા ટેન્કરની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 15 હજાર બોટલ તેમજ 2 હજાર બિયરના ટીન સહિત કુલ રૂ.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કલરનું ટેન્કર નં. એચઆર 65 એ-0497 ઉમરાળા આવી રહ્યું છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પોલીસે હાઇ-વે પર વોચ ગોઠવી ટેન્કરને રોકી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ટેન્કરમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ 15108 બોટલ, 2016 નંગ બિયરના ટીન, 3 મોબાઈલ તેમજ ટેન્કર મળી કુલ રૂ.53,18,240નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવમાં રાજસ્થાનના કરનારામ જયરૂપારામ કાલર (ઉ.વ.22)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજેશ આશુરામ રાણા (હરિયાણા), રાજૂ જાટ (રાજસ્થાન) અને દારૂનો જથ્થો લેનાર પાર્ટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પીએસઆઇ પી.ડી ઝાલા, જયદાન લાંગાવદરા, બીજલ કરવટિયા, હરિશ્ચંદ્રાસિંહ, ફાલ્ગુનાસિંહ ગોહિલ, શૈલેષ ચાવડા જોડાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક