અનશનકારી ડલ્લેવાલનો સંદેશો, ‘મરી જાઉ તો પણ આંદોલન ચાલુ રહે’
ચંડીગઢ,
તા.9 : ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત અનશન વચ્ચે વધુ એક ખેડૂતે કેન્દ્ર
સરકારની નીતિઓથી પરેશાન થઈ શંભૂ બોર્ડરે આંદોલન સ્થળે આપઘાત કરી લીધો છે. રેશમ સિંહ
નામના ખેડૂતે આપઘાત પૂર્વે કહ્યું હતું કે તે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો
કોઈ ઉકેલ ન નીકળતા નિરાશ છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂત આંદોલન અંગે કોઈ સંજ્ઞાન
ન લેવાતાં નારાજગી વ્યક્ત કરી ઝેર પીને જિંદગી ટૂંકાવી હતી. અગાઉ 18 ડિસેમ્બરે શંભૂ
બોર્ડરે રણજોધ સિંહ નામના ખેડૂતે આપઘાત કર્યો હતો.
બીજીતરફ 4પ દિવસથી આમરણાંત અનશન પર રહેલા ડલ્લેવાલે એલાન
કર્યુ છે કે અનશન દરમિયાન તેમનું મૃત્યુ થાય તો પણ આંદોલન ચાલુ રહેવું જોઈએ. તેમના
મૃતદેહને સ્થળ પર પ્રદર્શન માટે રાખવામાં આવે અને અન્ય કોઈ નેતા અનશન પર બેસી જાય.
ડલ્લેવાલે પોતાના નજીકના કાકા સિંહ કોટરાને આવો સંદેશો પાઠવ્યો છે. ડલ્લેવાલની સારવાર
કરનારા ડોક્ટરે કહ્યું કે ડલ્લેવાલની હાલત અત્યંત ગંભીર છે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે
છે. હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા
ખેડૂત પપ વર્ષિય રેશમ સિંહે ગુરુવારે ઝેર પીને આપઘાત કર્યો હતો. તેઓ તરનતારન જિલ્લાના
પાહુવિંડ ગામના હતા અને લાંબા સમયથી શંભુ બોર્ડરે ચાલી રહેલા આંદોલનમાં જોડાયા હતા.
સાથે ખેડૂતોએ કહ્યું કે કેન્દ્ર સરકારના વલણથી નિરાશ થઈને તેમણે આવું પગલું ઉઠાવ્યું
છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના સદસ્યોએ ડલ્લેવાલની મુલાકાત લઈ તેમને સ્વાસ્થ્ય
સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી જેનો તેમણે ઈનકાર કર્યો હતો.