• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

તમારી સીટમાં અને તમારામાં અમને વિશ્વાસ નથી : ધાનાણી

બનાવટી લેટરકાંડને પગલે અમરેલી બન્યું રાજકીય કેન્દ્ર : પરેશ ધાનાણીએ શરૂ કર્યું નારી સ્વાભિમાન આંદોલન

 

રાજકોટ, તા.9 :  થોડા દિવસો પહેલાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતો એક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. આ બનાવટી લેટરમાં પોલીસ દ્વારા પાયલ ગોટી નામની યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ મામલે કોંગ્રેસે ઝંપલાવ્યું હતું જેનાં પગલે હવે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટી દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસે પટ્ટા માર્યા હોવા સહિતના આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા બાદ ગઈકાલે પરેશ ધાનાણીએ ચર્ચાનો ચોરો યોજ્યો હતો અને આજે 24 કલાકની નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી છે. ધરણા પર બેસેલા પરેશ ધાનાણીએ કહ્યું કે, દીકરીને 17 કલાક ગોંધી રાખી કાયદાના રખેવાળો અડધી રાતે ઉપાડી ગયા હતા.

દીકરીનો વરઘોડો કાઢયો હતો. દીકરી જામીન ઉપર બહાર છૂટી આવી ત્યારે આંખમાંથી આંસુડા પડતાં હતાં. આપ તેના સાક્ષી છો અને તપાસનીય અધિકારીઓ, ગુનેગારો પાંજરામાં આવ્યા તો નકલી સીટની રચના કરવામાં આવી. અમારા કાયદાવિદો્ અભ્યાસ કરી કાલે એસપીને મળી તમારી સીટમાં, તમારા ઉપર અમને વિશ્વાસ નથી કેમ કે, તમે ખુદ ગુનેગાર છો. તમારાં માર્ગદર્શન હેઠળ અને તમારી હાજરીમાં ગોંધી રાખી પટ્ટા માર્યા ડીજીપીનાં નેતૃત્વમાં ઉચ્ચકક્ષાએથી તપાસ નિમાય જે પત્ર લખ્યો છે તે અસલી છે કે નકલી તેને એફઅસએલ કરાવો. આખુંય અમરેલી જાણે છે પત્રની સહી પણ અસલી છે, પત્રમાં લખાયેલા મુદ્દાઓ પણ અસલી છે.  અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા શરૂ કરવામાં આવેલા આ નારી સ્વાભિમાન આંદોલનમાં લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો જોડાયા છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આ નારી સ્વાભિમાન અભિયાનમાં પરેશ ધાનાણીને સમર્થન આપવા જોડાયા છે. જેનાં પગલે હાલ અમરેલી રાજ્યમાં રાજકારણનું કેન્દ્રબિન્દુ બની ગયું છે. આ સ્વાભિમાન આંદોલન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ગઈકાલે કૌશિક વેકરિયાને બોલાવ્યા હતા કે જો તમે સાચા હોવ તો આવીને ચર્ચા કરો, ખુલાસો કરો પણ પાયલ પર તમે જે કર્યું છે એ યોગ્ય નથી. એમણે જે સીટની રચના કરી છે એના પર અમને ભરોષો નથી.

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, પાયલ પર ખોટી ફરિયાદ થઈ અને બિનઅધિકૃત રીતે રાત્રે ધરપકડ થઇ, જાહેરમાં વરઘોડો કાઢયો અને અધિકારીઓ સામે જ માર મારવામાં આવ્યો. આટલું ઓછું હોય એમ તપાસ માટે સીટની રચના કર્યા બાદ પણ રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવે એ કેટલું યોગ્ય છે. આવનાર બે - ત્રણ દિવસમાં રાજ્યનાં અન્ય શહેરોમાં પણ આંદોલન કરવામાં આવશે. જવાબદાર પોલીસ અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે વિરોધ કરીશું. 

ઇ-પેપરના નવા શુલ્ક