• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

વિપક્ષી ‘ઈન્ડિયા’ જોડાણ ખતમ થઈ ગયું ?

કોંગ્રેસ નેતા પવન ખેડાનો દાવો : રાજદ નેતા તેજસ્વીએ પણ કહ્યું, લોકસભા ચૂંટણી સુધી જ હતું

નવી દિલ્હી, તા. 9 : વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી ભાજપની એનડીએ સરકારને સત્તા પરથી હટાવવાના ઈરાદા સાથે ખાસ રચાયેલું વિપક્ષોનું ‘ઈન્ડિયા’ જોડાણ ખતમ થઈ ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ ‘ઈન્ડિયા’ જોડાણનો અંત આવી ગયો હોવાના દાવા સાથે જણાવ્યું હતું કે, આ જોડાણ માત્ર લોકસભાની ચૂંટણી સુધી જ હતું.

એ જ રીતે, કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ કહ્યું હતું કે, વિપક્ષ એકજૂટ નથી એ જોતાં ઈન્ડિયા જોડાણનો ભંગ કરી નાખવો જોઈએ.

અગાઉ, રાજદ નેતા તેજસ્વી યાદવે પણ આજે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, સામાન્ય ચૂંટણી ખતમ થયા પછી ઈન્ડિયા જોડાણ પણ ખતમ થઈ ગયું છે.

આ જોડાણમાં કોઈ એજન્ડા પણ નથી અને કોઈ નેતૃત્વ પણ નથી. ઈન્ડિયાની છેલ્લી બેઠક સાત મહિના પહેલાં પહેલી જૂન, 2024ના થઈ હતી. ત્યાર પછી હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ થઈ ચૂકી છે.

હકીકતમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા જોડાણના ભાગ છે; પરંતુ દિલ્હીની ચૂંટણી અલગ-અલગ લડી રહેલા બન્ને પક્ષ વચ્ચે લગાતાર ઘર્ષણ જોવા મળ્યું છે.

એ વાત પર પણ કોઈ જાતની સ્પષ્ટતા નથી કે, આપણે એકજૂટ રહેશું કે નહીં તેવું અબ્દુલ્લાહે જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક