ભુવનેશ્વરમાં પીએમ મોદીનું પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન
ભુવનેશ્વર,
તા. 9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભુવનેશ્વરમાં આયોજિત 18મા પ્રવાસી ભારતીય
દિવસ-2025 સંમેલનને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે આજે દુનિયા
ભારતની વાત સાંભળે છે. દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયને બતાવવા સક્ષમ છે કે ભવિષ્ય યુદ્ધમાં
નહીં પણ બુદ્ધમાં છે. મોદીએ ભારતના લોકતંત્રની શક્તિ ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું
હતું કે ભારત લોકતંત્રની જનની છે અને લોકતંત્ર આપણાં જીવનનો અભિન્ન હિસ્સો પણ છે.
પીએમ
મોદીએ ગ્લોબલ સાઉથનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે ભારત પોતાના વિચારો પ્રસ્તુત
કરવાની સાથે ગ્લોબલ સાઉથના વિચારોને પણ દુનિયાની સમક્ષ રજૂ કરે છે. ગ્લોબલ સાઉથનો અર્થ
એવા દેશોથી છે જે આર્થિક દૃષ્ટિએ ઓછા વિકસીત છે. ભારતે પોતાના વારસાની ક્ષમતાથી દુનિયાને
સંદેશ આપ્યો છે કે ભવિષ્યનો રસ્તો યુદ્ધથી નહીં પણ શાંતિથી છે. મોદીએ પ્રવાસી ભારતીયોને યાદ કરતા કહ્યું હતું કે
1947ના ભારતની સ્વતંત્રતામાં પ્રવાસી ભારતીયોનો મહત્ત્વનો રોલ હતો. હવે દેશને વિકાસની
દિશામાં 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે અને આ માટે તેઓએ પ્રવાસી
ભારતીયો સમક્ષ મદદથી અપીલ કરી હતી. પીએમએ સંબોધનમાં ઉમેર્યું હતું કે દુનિયામાં કુશળ
કામદારોની માગ વધી રહી છે અને સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે ભારતીય યુવા વિદેશ જાય
તો તેની પાસે કૌશલ્ય હોય અને પોતાની ઓળખ બનાવી શકે .