• બુધવાર, 12 માર્ચ, 2025

અમદાવાદમાં યુવાનની હત્યા પ્રકરણમાં ચાર શખસ ઝડપાયા

ડીજેમાં નાચતી વખતે મૃતકનો હાથ અન્ય બે શખસોને અડી જતા હત્યા કરી નાખી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.12: અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. મજૂરગામ ડુંગર મોતીની ચાલી નજીક રહેતા યુવકની હત્યા કરવામાં આવી હતી. ચાર લોકો દ્વારા જુની અદાવતમાં છરીના ઘા મારી મહેન્દ્ર સોલંકી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસે હત્યા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં જ  ધરપકડ કરી  છે.

કાગડાપીઠ પોલીસે 4 આરોપી ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધું સિંધવ, જયેશ ઉર્ફે જગો રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જીગો સિંધવની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની ધરપકડ હત્યાના ગુનામાં કરવામાં આવી છે. ગઈકાલે મજૂર ગામ રોડ પર આવેલા ડુંગર મોતીની ચાલી પાસે મહેન્દ્ર ઉર્ફે કરણ સોલંકીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ ફરાર થયા હતા. જોકે પોલીસે રાત્રે કોમ્બિગ ચલાવી તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

લગ્નમાં વાગતા ડીજેમાં નાચી રહેલા મહેન્દ્ર સોલંકીનો હાથ હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી જીગ્નેશ જીગા અને અમિતને લાગી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ તમામ આરોપીઓએ ભેગા મળી મહેન્દ્રને તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેમાં મહેન્દ્રનું મૃત્યુ નીપજતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા આરોપીઓ સામાન્ય ગુનાખોરીમાં અગાઉ સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

કાગડાપીઠમાં થયેલી હત્યાના ગુનામાં મૃતક મહેન્દ્ર પણ ગુનાહિત ઈતિહાસ ધરાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માત્ર ડીજેમાં નાચવાની તકરારમાં જ હત્યા કરી છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ  કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક