જામનગર, તા.11: ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના વતની અને હાલમાં રાજકોટની તોરલ પાર્ક સોસાયટીમાં રહેતા વસંતભાઈ ગોરધનભાઈ સીરા નામના 62 વર્ષના પટેલે ભાવનગરના પાલીતાણાના હિતેન ચૌહાણ, હરેશ ખેરાલા, તળાજાના કાળુ બારૈયા તથા એક અજાણી મહિલા, પોલીસની ઓળખ આપનાર બે શખસ, પોતાનું લોકેશન મોકલાવનાર શખસ અને આંગડીયા પેઢીએ પૈસા લેવા ગયેલા બાઈક ચાલક સહિત સાત સામે સિટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ખેતીકામ કરતા વસંતભાઈએ કાલાવડમાં એક જમીન ખરીદી હતી. તે જમીનને વેચવાની તજવીજ વચ્ચે કાગળ તથા નક્શા તૈયાર કરવા તેઓ જામનગર આવ્યા હતા. જ્યાં સુધારાની પ્રક્રિયા દરમિયાન એક શખસ મળ્યો હતો. તેણે પોતાના સંબંધી જમીન શાખામાં નોકરી કરી નિવૃત્ત થયા પછી આ કામ કરી આપશે તેમ કહી ગયા જાન્યુઆરી મહિનાની 23 તારીખે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં 80 ફુટ રોડ પર એક મકાનમાં બોલાવ્યા હતા. જ્યાં હિતેન, કાળુએ એક અજાણી મહિલાને બોલાવી હતી અને તે મહિલાએ વસંતભાઈને પાણી આપવાના બહાને નિર્વત્ર થયા પછી આબરૂ લેવાનો આરોપ મુક્યો હતો.
તેનાથી હેબતાયેલા વૃદ્ધ પાસેથી સેટીંગના નામે બળજબરી આચરી રૂા.5 લાખ 96 હજાર 500 પડાવી લેવાયા હતા. તે પછી આ મહિલાને હોસ્પ્ટિલમાં દાખલ કરેલી છે અને તેણે તમારૂ નામ આપ્યું છે તેમ કહી વધુ રૂપિયા સવા લાખની માગણી કરી હતી અને વસંતભાઈએ વધુ રૂા.35 હજાર આપ્યા હતા. જ્યારે તે યુવતી સાથે વસંતભાઈ મકાનમાં હતા ત્યારે બે અજાણ્યા શખસે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને લાલબંગલામાં મળેલા શખસે વસંતભાઈને તે મકાનમાં જવા માટે લોકેશન કાઢી આપ્યું હતું. તે ઉપરાંત એક અજાણ્યો બાઈકચાલક આંગડીયા પેઢીએ પૈસા ઉપાડવા માટે પહોંચ્યો હતો. આમ કુલ રૂ.6,31,500 કઢાવી લઈ ફોન પર વાત કરી ગાળો ભાંડી સાતેય વ્યક્તિએ વસંતભાઈને આવી રીતે હનીટ્રેપમાં ફસાવી ધમકી આપતા આખરે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.