• બુધવાર, 12 માર્ચ, 2025

સિહોર પંથકમાં વૃદ્ધાની ગળું દબાવી હત્યા : દુષ્કર્મની આશંકા

ભાવનગર, તા.10 : સિહોર પંથકમાં એકલા રહેતા વયોવૃદ્ધ વૃદ્ધાની તેના ઘરમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો અને વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરીહતી.

આ અંગેની વિગત એવી છે કે, સિહોર પંથકમાં એકલા રહેતા વયોવૃદ્ધ વૃદ્ધા શનિવારે સાંજે ઘરના દરવાજા ખુલ્લા રાખી સુતા હતા. દરમિયાન લાંબા સમય સુધી વૃદ્ધા બેભાન અવસ્થામાં પડયા હોય પડોશીઓને શંકા જતા ઘેર જઈ તપાસ કરતા વૃદ્ધા બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કરતા નહીં ઉઠતા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક વૃદ્ધાના ગળા પર ઈજાના નિશાન અને કાનમાંથી લોહી નીકળ્યાનું જણાયું હતું અને વૃદ્ધાનુ ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યાની શંકાએ ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતક વૃદ્ધાના કૌટુંબિક સભ્યની ફરિયાદ પરથી અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક