• બુધવાર, 12 માર્ચ, 2025

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર

જૂનાગઢ, તા.11: જૂનાગઢના ત્રણેક દસકા પૂર્વેના ચકચારી સવા અબજના બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં જૂનાગઢ અદાલતે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય સહિત છ શખસને ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા.3000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

જૂનાગઢના વિશાલ ટાવરમાં કેપ્ટન એન્ટરપ્રાઈઝ પ્રા.લી. નામની પેઢી દ્વારા બોગસ બિલો દ્વારા સેલટેક્ષની માતબર રકમની ચોરી થતી હોવાની તત્કાલીન કલેક્ટરને બાતમી મળતા તેઓએ જૂનાગઢ પ્રાંત અધિકારીને તપાસનો આદેશ આપતા પ્રાંત અધિકારીએ વંથલી મામલતદાર એમ.બી.સોની, પુરવઠા અધિકારીની ટીમે દરોડો પાડયો હતો.

તંત્રની તપાસમાં વંથલી તાલુકાના શાપુરની બંધ ઓઈલ મીલ શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ તથા વંથલીની ઉમિયા ઈન્ડસ્ટ્રીઝના નામના બોગસ બિલ બુકો, પ્રિન્ટીંગ સાહિત્ય, વંથલી મામલતદાર કચેરીનો રાઉન્ડ સીલ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓના થોકબંધ રબ્બર સ્ટેમ્પ મળી આવ્યા હતા.

આ બોગસ બિલીંગ કૌભાંડમાં એડવોકેટ ગુજરાત બાર કાઉન્સીલનો વાઈસ ચેરમેન મુકેશ ચુનીલાલ ઉર્ફે ચીમનલાલ કામદાર, રસીક પ્રભુદાસ દવે, કિરીટ ગોકળ સાવલીયા, બાબુ શંભુ રાખોલીયા, અશ્વિન રતિલાલ વાઘેલા, ભરત રતિલાલ સુચક, સતીષ રમેશચંદ્ર વીરડા અને દિનેશ વીરા વીરડાની સંડોવણી બહાર આવી હતી.

જેથી ટોળકી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં કેપ્ટન એન્ટરપ્રાઈઝ દ્વારા જે તે સ્થળે ખાદ્ય તેલ, સહીતની ચીજો મોકલેલ તેની તપાસ કરતા ત્યાંથી બોગસ બિલો દ્વારા કરોડોનો માલ મોકલી સરકારના ટેક્ષની ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.

આ ટોળકીએ શાપુર, વંથલી અને ભવનાથ સેલ્સ કોર્પોરેશન સાબલપુરના નામે બોગસ બિલો દ્વારા રૂા. એક અબજ 26 કરોડના બિલો બનાવી સરકાર સાથે માતબર રકમની ટેક્ષ ચોરી બહાર આવી હતી. આ કેસ જૂનાગઢના ચોથા અધિક ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આજે ચુકાદો જાહેર કર્યો હતો.

તેમાં એડવોકેટ મુકેશ ચીમનલાલ કામદાર, રસીક પ્રભુદાસ દવે, કિરીટ ગોકળ સાવલીયા, બાબુ શંભુ ખોલીયા, અશ્વિનકુમાર રતિલાલ વાઘેલા અને દિનેશ વીરા વીરડાને ત્રણ ત્રણ વર્ષની સાદી કેદ તથા રૂા.3-3 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. જ્યારે સતીષ વીરડા અને ભરત રતિલાલ સુચકનું અવસાન થતા બંન્નેને એબેટ જાહેર કર્યા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક