અંધ આશ્રમ ફાટક પાસે પ્રૌઢ માલગાડીની
ઠોકરે ચડી જતાં મૃત્યુ : સતાપરમાં ખેડૂતને વીજઆંચકો લાગતા જીવ ગયો
જામનગર તા.13: જામનગરના ખંભાળીયા
હાઈવે પર, વાશાવીરા પાર્કમાં રહેતા અને પ્રાત કચેરીમાં આવેલ ચુંટણી શાખામાં ફરજ બજાવતા
નાયબ મામલતદાર કિરણબેન પેસાવરીયા (ઉ.વ.45) નામના મહિલાને સોમવારે સાંજે પોતાના ઘરે
છાતીમાં દુ:ખાવાની પરિવારજનોને ફરિયાદ કર્યા બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા હતાં.
ટ્રેનની ઠોકરે મૃત્યુ: જામનગર
નજીક નાઘેડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા કાસમભાઈ સુલેમાનભાઈ મંધરા નામના
48 વર્ષના પ્રૌઢ અંધાશ્રમ રેલવે ફાટક પાસે બંધ ફાટકમાં પાટા ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન
એક માલ ગાડી આવી જતાં એન્જિનના ઠોકરે ચડી ગયા હતા જેથી સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી અલ્તાફભાઈ આબુભાઈ મંધરાએ પોલીસને જાણ કરી હતી.
વીજ આંચકો લાગતા મૃત્યુ : જામજોધપુર
તાલુકાના સતાપર ગામમાં રહેતા અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા કરસનભાઈ માંડાભાઈ
છેલાણા નામના 34 વર્ષના યુવાનને પોતાની વાડીમાં પાણી વાળતી સમયે એક વીજવાયરમાં લિકેજ
હોવાથી એકાએક વીજઆંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યા હતા. જેને પરિવારજનોએ સારવાર માટે જામજોધપુરની સરકારી
હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર
કર્યું હતું.