સુરત, તા.14: સુરત અકસ્માતથી
મૃત્યુના બનાવોમાં વધારો નોંધાય રહ્યો છે ત્યારે વધુ એકવાર અડાજણમાં આવેલા સ્ટાર બજાર
ખાતે ગત રોજ મોડી સાંજે મહાનગર પાલિકાના કચરા ડમ્પરે માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થિનીને
કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી હતી તથા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં
આવ્યો હતો કે, અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવતા વિદ્યાર્થિનીનો મૃતદેહ રસ્તા
ઉપર રઝળતો રહ્યો હતો. હાલ પોલીસે પાલિકાના ડમ્પર ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ
ધરી છે.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ
ડાયમંડ નગરમાં શ્રેયા જિતેન્દ્ર સારંગ(ઉં.20) પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી
હતી. શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઈક્રોબાયોલોજીના
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન ગત રોજ સવારે શ્રેય કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ
પર કોલેજથી ઘરે જતી હતી. તે વેળાએ અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના
કચરા ના ડમ્પરચાલકે શ્રેયાને અડફેટે મેડિકલ વિદ્યાર્થિની શ્રેયને ગંભીર ઇજાઓ પહોંચતા
તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક શ્રેયાના પરિવારજનો દ્વારા
આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સુરત મનપાના ડમ્પરચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને શ્રેયાને
અડફેટે લઈ કચડી નાખી હતી ત્યારબાદ ડમ્પરચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે વેળાએ
સ્થાનિક લોકોએ તેને પકડી પાડયો હતો. બાદ સ્થાનિકો દ્વારા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ
ને જાણ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર આવી હતી. પરંતુ શ્રેયાનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું
હતું. જેથી તેમણે પોલીસ આવે પછી જ મૃતદેહ લઈ જવાનુ જણાવ્યું હતું. આ અંગે અડાજણ પોલીસને
જાણ કરવા છતાં એક કલાક પછી પોલીસ આવી હતી. જેના પગલે મૃતદેહ એક કલાક સુધી રસ્તા પર
જ પડયો રહ્યો હતો.