• બુધવાર, 12 માર્ચ, 2025

બગધરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ : આરોપીઓ હાથવેંતમાં

8 થી 10 શખસે ધારદાર હથિયારોથી હુમલો કર્યો

જામનગર, તા.10: જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 8 થી 10 શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જ્યારે તેના એક મિત્ર પર હુમલો કરાયો હતો.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનીષ ઉર્ફે મંશારામ ગિલદાર નરગાવે નામના 33 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ગઈકાલે બગધરા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં આઠથી દસ જેટલા શખસોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. જ્યારે તેની સાથે જ મજૂરી કામ કરતા પ્રદીપ નામના અન્ય એક શ્રમિક યુવાન પર હુમલો કરાયો હતો, જેથી તે ઈજાગ્રસ્ત બન્યો છે, અને સારવાર હેઠળ છે.

મૃતક યુવાનને બે દિવસ પહેલા છકડો લઈને આવી રહેલા પરબત રબારી સાથે સરખી રીતે વાહન ચલાવવા બાબત તકરાર થઈ હતી. જે તે સમયે બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેનું મનદુ:ખ રાખીને ગઈકાલે મૃતક યુવાન પોતાની વાડીએ હતો, જે દરમિયાન આરોપીઓ પરબત પુંજાભાઈ રબારી, નારણ પુંજાભાઈ રબારી, રઘાભાઈ દેવાભાઈ રબારી અને બધાભાઈ બટુકભાઈ રબારી તેમજ અન્ય છ જેટલા શખસો કાવતરું ઘડીને હત્યા કરવાના ઈરાદે જુદા જુદા વાહનોમાં ધોકા, પાવડા, કોદાળી, લાકડી સહિતના હથિયાર સાથે ધસી આવ્યા હતા, અને મનીષ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી, જ્યારે તેના મિત્ર પ્રદીપ ઉપર હુમલો કરતાં ઈજાગ્રસ્ત બન્યો હતો અને સારવાર હેઠળ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક