• બુધવાર, 12 માર્ચ, 2025

હાબરડી ગામે યુવાનની ગળાટૂંપો દઈ હત્યા : હત્યારા ભાઈ-ભાભીની ધરપકડ

ખંભાળીયા, તા.10 : કલ્યાણપુર તાબેના મણીપુર હાબરડી ગામે અવારનવાર ઝઘડા કરી ધમકી આપતા ભાઈની સગાભાઈ-ભાભીએ ગળાટુંપો દઈ હત્યા નિપજાવ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે હત્યારા દંપતીને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મણીપુર હાબરડી ગામે રહેતો વિરાભાઈ દેવસીભાઈ કરમુર નામનો યુવાન રાત્રીના મકાનની પાછળ વાડીએ ખાટલામાં સુતો હતો ત્યારે અજાણ્યા શખસોએ વિરાભાઈનું ગળુ દબાવી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા મૃતક વિરાભાઈની માતા ભેનીબેન સહિતનો પરિવાર અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે મૃતક વિરાભાઈની માતા ભેનીબેન કરમુરની ફરિયાદપરથી અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એલસીબીના સ્ટાફે શંકાના દાયરામાં રહેલા મૃતક વિરાભાઈના ભાઈ અરજણ અને તેની પત્ની જેશીબેનને ઝડપી લઈ આકરી પુછતાછ કરતા વિરાભાઈની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિરાભાઈ અવારનવાર ભાઈ અરજણના ધેર જઈ ઝઘડો કરી અને તેની પત્ની અને પુત્રીને મારી નાખવાની ધમકી આપતો હોય દંપતી કંટાળી ગયું હતું અને બન્નેએ વિરાભાઈની હત્યા કરવાનુ નકકી કર્યું હતું અને ગત તા.7/3 ના રાત્રીના વિરાભાઈ  વાડીએ સુતો હતો ત્યારે હત્યા કરી નાસી છુટયા હતા અને મૃતક વિરાભાઈના બેસણાની વિધિમાં બન્ને નહી આવતા શંકા વધુ દ્રઢ બની હતી અને હત્યારા દંપતીને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક