• ગુરુવાર, 29 મે, 2025

ચોરવાડ પાલિકાનો ઈજનેર કચેરીમાં જ રૂા.1.43 લાખની લાંચ લેતા ઝડપાયો

કોન્ટ્રાક્ટર પાસે બીલનો ચેક આપવા 15 ટકા માગ્યા’તા : લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાતા કચેરીમાં સન્નાટો ફેલાયો

જૂનાગઢ, તા.26: માળીયા હાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકાનો જુનિયર ઈજનેરે કોન્ટ્રાક્ટરને બીલનો ચેક આપવા 15 ટકા લેખે રૂા.1 લાખ 46 હજારની માંગણી બાદ પોતાની કચેરીમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.1 લાખ 43 હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત સત્તાવાળાઓ ઝડપી લેતા કચેરીમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત પ્રમાણે ચોરવાડ નગરપાલિકામાં ફરિયાદી કોન્ટ્રાક્ટરે વર્ષ 2022માં વોર્ડ નં.2માં પેવર બ્લોકનું કામ કર્યું હતું. તે બીલ પાસ થયેલા પણ બીલના ચેક માટે બાંધકામ શાખાના કરાર આધારિત જુનિયર ઈજનેર રાજેશ ખીમજીભાઈ સેવરાએ 15 ટકા લેખે રૂા.1,46,000ની લાંચની માંગણી કરી હતી.

પરંતુ કોન્ટ્રાક્ટર લાંચ આપવા રાજી ન હોય તેથી તેમણે ગીર સોમનાથ લાંચ-રૂશ્વત કચેરીમાં ફરિયાદ કરતા ગીર સોમનાથ લાંચ-રૂશ્વત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર.ગઢવી તથા સ્ટાફે ફરિયાદીના કહેવા પ્રમાણે લાંચનું ચોરવાડ નગરપાલિકા કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું.

આ છટકા પ્રમાણે બપોરના સમયે જુનિયર ઈજનેર રાજેશ પોતાની કચેરીમાં કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રકમ રૂા.1,43,000 સ્વીકારતા લાંચ રૂશ્વત સત્તાવાળાઓએ રંગે હાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા કચેરીમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક