• ગુરુવાર, 29 મે, 2025

શિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજચોરી ઝડપાઈ

દ્વારકા, તા. ર7: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ખાતે આવેલા યુવિકા રિસોર્ટમાંથી જામનગર સર્કલની વિજ કચેરીની ચેકિંગ ટીમે રિસોર્ટમાંથી રૂપિયા ર4 લાખ 80 હજારની વીજચોરી ઝડપી લીધી હતી અને સંચાલકને પુરવણી બીલ ફટકારી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચના યુવિકા રિસોર્ટમાં ગઈકાલે પહોંચી ઓચિંતો દરોડો પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને રિસોર્ટમાં વીજચેકિંગની કામગીરી દરમિયાન પીજીવીસીએલના થાંભલા પરથી સીધો વીજ વાયર જોઈન્ટ કરીને ગેરકાયદેસર રીતે વિજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

 ત્યારબાદ વિજ ચેકિંગ ટુકડીએ સ્થળ પરથી 1પ મીટર જેટલો વીજ વાયર તથા વિજ મીટર સહિત સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી. અને રિસોર્ટનાં સંચાલક પેથાભા સાંગાભા નાયાણી સામે વિજ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે તેઓને કુલ રૂ.24,80,603/-નું વિજ ચોરીનું પૂરવણી બિલ પણ ફટકારવામાં આવ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક