ડમ્પરને આગ ચાંપી દીધી : આડેધડ ચાલતા ડમ્પર બંધ નહીં કરાવાય તો રસ્તા રોકોની ચીમકી
વંથલી
તા. 25: વંથલી તાલુકાના કણજડીમાંથી પસાર થતાં રેતી સહિત ખનીજના ઓવરલોડ ડમ્પરથી ગ્રામજનોમાં
ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેવામાં ડમ્પર ચાલકે ગામના એક બાઈક સ્વાર યુવાનને અડફેટે
લેતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠયો હતો અને ડમ્પરને આગ ચાંપી હતી.
કણજડીમાં
વહેલી સવારે ગામનો યુવાન પીયૂષ દેવાયતભાઈ મૈત્તર
(ઉંમર 27) ઘરેથી વાડી તરફ બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે મધુવંતી નદીના પુલ પાસે રેતીના
ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા ફંગોળાયો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યો હતો.
બનાવ
બાદ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.ડમ્પર ચાલક સામે રોષ ભભૂકી ઉઠયો હતો. વાતાવરણ ઉગ્ર બનતા
રોષે ભરાયેલ ગ્રામજનોએ ડમ્પરને આગ લગાવી દીધી હતી. બાદ ત્યાંથી પસાર થતા બીજા ત્રણ
ડમ્પર પર પથ્થર મારી કાચ ફોડી નાખ્યા હતા.પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા વંથલી પોલીસ
સ્ટેશનના પીઆઇ બી.જી. ચેતરીયાએ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
બાદ
ખાણ ખનીજની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરી ડમ્પર કબજે
કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઓવરલોડ
વાહનો બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પણ ગ્રામજનો રસ્તા પર બેસી વિરોધ કરશે
તેવી ચીમકી ઉચ્ચારી છે.
ગામના
રહીશ વિજયભાઈ મૈતરે જણાવ્યું હતું કે ખાણ ખનીજમાં જાણ કરવામાં આવે તો તમામ માહિતી લીઝધારકો પાસે પહોંચી જાય છે,જેથી
અમારા ઉપર પણ જોખમ રહે છે. રેતીના ભારે ઓવરલોડ વાહનોને લીધે ગામના રસ્તા ભંગાર હાલતમાં
થઈ ગયા છે, છેલ્લા ઘણા વર્ષોથી અહીં રસ્તો પણ બન્યો નથી.
રોષે
ભરાયેલી ગામની મહિલાઓએ ખાણ ખનીજના અધિકારીઓને ઘેરી લઈ ઓવરલોડ વાહનો બંધ કરો તેમ જણાવ્યું હતું. આ જગ્યાએ તમારું કોઈ બાળક હોત તો
તેવો સવાલ કરી અધિકારીઓને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા હતા.