સૌરાષ્ટ્રમાં 14 નગરપાલિકામાં 57,000 સહિત કુલ 4 લાખ ‘વોટ’ની ઓટ : 1.01 કરોડ મતદારોના બદલે ગણતરી 97.31 લાખ ઉપર થશે
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.25 : રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા, 260 તાલુકા પંચાયતોની સામાન્ય
ચૂંટણી અને 11 નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો
છે. આ વખતે ચૂંટણીના પરિણામો પર સૌથી મોટી અસર મતદાર યાદી સુધારણાની જોવા મળશે. વર્ષોથી
મતદાર યાદીમાં રહેલા મૃતકો અને ડુપ્લીકેટ મતો દૂર થવાથી આ વખતે ભલે કુલ મત ઘટયા હોય,
પણ ‘વાસ્તવિક મતદાન’ની ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
ચૂંટણી
પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવીઝન (ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા) બાદ
લાખોની સંખ્યામાં મતદારોના નામો દૂર કરવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું
છે કે, કુલ મતદારોની સંખ્યા ઘટવાથી મતદાનની જે ટકાવારી અગાઉ 50-60 ટકા રહેતી હતી, તે
આ વખતે 70 ટકાને પાર કરી શકે છે. ખાસ કરીને જ્યાં હજારો મત ઘટયા છે, ત્યાં નવા સમીકરણો
અસર કરી શકે છે.
મોટી
સંખ્યામાં મતદારોના નામ કમી થઈ જતાં હવે નવા નોંધાયેલા યુવા મતો પણ ટકાવારીમાં મહત્ત્વની
ભૂમિકા ભજવશે. આ વખતે ડિજિટલ વેરિફિકેશન અને આધાર લાંકિંગને કારણે જે ‘ડબલ વોટર’ (દા.ત.
રાજકોટ અને સુરતમાં બંને જગ્યાએ નામ ધરાવતા)
હતા, તેમના નામ કમી થયા છે.
સૌરાષ્ટ્રની
વાત કરીએ તો એકંદરે 4 લાખ મતદારોનો ઘટાડો થયો છે અને 111 બેઠકો બીનહરીફ થતા 6 લાખ મતદારો
મતાધિકારથી વંચિત થયા છે. અમુક વોર્ડમાં તો આખી પેનલ બીનહરીફ થઈ છે. આ વખતે સૌરાષ્ટ્રમાં
ત્રણ નવી મહાનગરપાલિકા બનતા હવે શહેરી મતદારોનો વધારો થયો છે. જેમાં મોરબી, પોરબંદર
અને સુરેન્દ્રનગર મહાપાલિકા અને રાજકોટ, જામનગર, ભાવનગર મહાપાલિકામાં કુલ 344 બેઠકમાં
1011 ઉમેદવાર માટે કુલ 24.33 લાખ મતદારો મતદાન કરનાર છે. જો કે આ મહાપાલિકામાંથી જામનગરમાં
એક, પોરબંદરમાં 11 અને સુરેન્દ્રનગરમાં 3 બેઠક મળી કુલ 15 બેઠક બીનહરીફ પણ થઈ ગઈ છે.
મતદાનની
ટકાવારી કેવી રીતે વધશે ? રાજકોટનું ઉદાહરણ
રાજકોટ
મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં કુલ મતદારો 10 લાખ 93 હજાર હતા. જેમાંથી 5 લાખ 54
હજાર અર્થાત 50.72 ટકા મતદારોએ મતદાન કર્યુ હતું. બાકીના 50 ટકા મતદારોમાં 1.08 લાખ
મતદારો એ હતા જે એસઆઈઆરમાં કમી થયા છે. 2021થી પાંચ વર્ષમાં મૃત્યુ પામેલા મતદારોને
બાદ કરીએ તો પણ 1 લાખ આસપાસ મતદારો કુલ મતદારોમાં ગણાતા હતા. જો આ એક લાખ મતદારોને
બાદ કરીએ તો 2021ની ચૂંટણીનું પરિણામ 56 ટકા આસપાસ આવ્યુ ગણાય. હવે આ વખતે 1 લાખ જેવા
નવા મતદારો પણ ઉમેરાયા છે. જેથી મતદાનની ટકાવારી ચોક્કસ વધી શકે છે.
રાજ્યની
3 બેઠક ઉપર ઉમેદવારોના અવસાન થવાથી ચૂંટણી પ્રક્રિયા રદ !
અમદાવાદ
તા.25 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક
બેઠકો એવી પણ છે જેમાં ઉમેદવારી પત્રો ન ભરાતા ચૂંટણી રદ કરવામાં આવી છે તો કેટલીક
બેઠકોમાં ઉમેદવારનું જ ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અવસાન થતાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા
રદ કરવામાં આવી છે.
સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પાટણ જિલ્લાના હારીજ તાલુકા પંચાયતની અડિયા બેઠક તેમજ
મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતની બેઠક ઉપર એક પણ ઉમેદવાર તરફથી ઉમેદવારી ફોર્મ
રજૂ થયું ન હોવાથી તે બેઠકોની ચૂંટણી યોજવાની થતી નથી. એ જ રીતે આસ્તાન તાલુકા પંચાયત,
દહેગામડા તાલુકા પંચાયત અને ચિતરીયા તાલુકા પંચાયતની બેઠકો પરના રાજકીય પક્ષના ઉમેદવારોનું
ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અવસાન થવાથી આ ત્રણ બેઠકો પૂરતી ચૂંટણી હાલ રદ કરવામાં
આવી છે.
આ બેઠકો
માટેની ચૂંટણી યોજવા આગામી સમયમાં ચૂંટણી કાર્યક્રમ આપવામાં આવશે. આ ચૂંટણી માટે
956 ચૂંટણી અધિકારીઓ, 1246 મદદનીશ અધિકારીઓ, 1,22,951 બીયુ-1,08,188 સીયુની વ્યવસ્થા
કરવામાં આવી છે. જ્યારે ચૂંટણીના સંચાલન માટે કુલ 2,64,715નો પોલીંગ (ચૂંટણી) સ્ટાફ
અને 92,583 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.