• રવિવાર, 26 એપ્રિલ, 2026

પંજાબનો વિજયરથ પૂરપાટ : દિલ્હી કેપિટલ્સને રગદોળ્યું

શ્રેયસ અય્યરની કેપ્ટન ઈનિંગ તેમજ પ્રભસિમરન અને પ્રિયાંશની તાબડતોડ બેટિંગથી T-20 ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો : કેએલ રાહુલના વિસ્ફોટક 152 રન ઉપર પાણી ફર્યું

નવી દિલ્હી, તા. 25 : શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક રોમાંચક પૈસા વસૂલ મુકાબલો રમાયો હતો. આ મેચમાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ જ નહીં પણ ટી20 ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલના 152 રનની જોરદાર ઈનિંગના દમથી 264 રન કર્યા હતા. જો કે પંજાબે મુકાબલો એક ઓવર અને એક બોલ બાકી રહેતા જ ચેઝ કરી લીધો હતો. જેમાં પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશે પંજાબને તોફાની શરૂઆત અપાવી હતી અને બાકી રહેતી કમી કેપ્ટન શ્રેયસ અય્યરે પૂરી કરી હતી. આ રીતે પંજાબનું વિજય અભિયાન હજી પણ ચાલી રહ્યું છે અને અત્યારસુધીમાં એક પણ મેચ ગુમાવ્યો નથી.

265 રનના જવાબમાં મેદાનમાં ઉતરેલી પંજાબની શરૂઆત શાનદાર રહી હતી. પ્રિયાંશ અને પ્રભસિમરને તાબડતોડ બેટિંગ કરી હતી જ્યારે સાતમી ઓવરમાં પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થયો હતો. પ્રિયાંશે 17 બોલમાં 43 રન કર્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન યથાવત્ રહ્યું હતું. જો કે આઠમી ઓવરમાં તે પણ આઉટ થયો હતો. પ્રભસિમરને 26 બોલમાં 76 રન કર્યા હતા. બાદમાં નેહલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની ભાગીદારી થઈ હતી. 15મી ઓવરમાં વઢેરા આઉટ  થયો હતો. બાદમાં શ્રેયસે મોરચો સંભાળતા 36 બોલમાં નોટઆઉટ 71 રન કર્યા હતા અને પંજાબે સાત બોલ બાકી રહેતા જ આઈપીએલ અને ટી20 ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો હતો.

આ અગાઉ પહેલા બેટિંગમાં આવેલી દિલ્હીની ટીમ તરફથી કેએલ રાહુલ અને નીતિશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન કેએલ રાહુલે આઈપીએલનો ત્રીજો સૌથી મોટો સ્કોર કર્યો હતો. રાહુલ 152 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 67 બોલનો સામનો કરતા 16 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. જેના દમ ઉપર દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 264 રન કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક