રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનાં વિભાજન કે જૂથને કાનૂની માન્યતા નથી : સંજય સિંહ
નવી
દિલ્હી, તા.2પ: રાઘવ ચઢ્ઢા સાથે આમઆદમી પાર્ટી છોડી જનાર રાજ્યસભા સદસ્ય સ્વાતિ માલીવાલે
આજે અરવિંદ કેજરીવાલ ઉપર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ ઉપર ભરોસો મૂકીને તેઓ ભાજપમાં રચનાત્મક રાજનીતિ માટે જોડાઈ
ગયા છે. આપનાં 10 રાજ્યસભા સાંસદોમાંથી રાઘવ ચઢ્ઢા સહિત કુલ 7 સદસ્યો ભાજપમાં જોડાઈ
ગયા હોવાથી તેમની સામે પક્ષપલટા ધારો લાગુ થશે નહીં કારણ કે વિલય કરનાર સદસ્યોની સંખ્યા
બે તૃત્યાંશ થાય છે. આમ છતાં વિફરેલી આમઆદમી પાર્ટી આ પક્ષપલટાને ગેરબંધારણીય ગણાવીને
સાતેયની રાજ્યસભા સદસ્યતા રદ કરવાની માગણી કરી રહી છે. આપનાં નેતા સંજય સિંહે આજે કહ્યું
હતું કે, રાજ્યસભાનાં સભાપતિને પત્ર લખીને આ સાંસદોને ઉપલા ગૃહમાંથી અયોગ્ય ઘોષિત કરવાનો
અનુરોધ કરવામાં આવશે.
સંજય
સિંહે કહ્યું હતું કે, પક્ષપલટા વિરોધી કાયદો સ્પષ્ટ કહે છે કે, રાજ્યસભા અને લોકસભામાં
કોઈપણ પ્રકારનાં વિભાજન કે જૂથને કાનૂની માન્યતા નથી, પછી ભલે તે બે તૃત્યાંશ બહુમત
કેમ ન હોય. તેમણે ભાજપમાં સામેલ થવાનાં સાતેય સાંસદોનાં આ પગલાને ગેરકાનૂની ગણાવ્યું
હતું. તેમણે આગળ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં સભાપતિને પત્ર લખીને આ સાતેય
સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માગણી કરી રહ્યાં છે. આ સાત સાંસદ ભાજપમાં જોડાઈ જતાં આપમાં ભૂકંપ
આવી
ગયો છે. હરિયાણામાં આપનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ નવીન જયહિંદે આ બળતામાં ઘી હોમવા જેવો
દાવો કરીને રાજકીય હલચલ મચાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં પંજાબનાં
આશરે 28 ધારાસભ્યો પણ આપ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે, પક્ષની અંદર અસંતોષ વધી
રહ્યો છે અને આવનારા દિવસોમાં પંજાબમાં આપની સરકાર ઉપર પણ સંકટનાં વાદળ ઘેરાઈ ગયા છે.
બીજીબાજુ ગુજરાતનાં પ્રવાસેથી પરત દિલ્હી પહોંચેલા પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા આજે
એરપોર્ટથી સીધા આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલને મળવા દોડી ગયા હતાં. પંજાબનાં મંત્રી
ડૉ.બલવીર સિંહે પણ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી.
આમઆદમી
પાર્ટીનું સર્જન જે આંદોલનમાંથી થયું હતું તેનાં પ્રણેતા અણ્છણા હજારેએ પણ સાત સાંસદનાં
બળવા ઉપર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, એક પક્ષ છોડીને બીજામાં
જોડાવું ઉચિત નથી. પોતાનાં સ્વાર્થ ખાતર રાજકીય પક્ષ બદલવો અયોગ્ય છે. આપણાં બંધારણમાં
આનો કોઈ ખાસ ઉલ્લેખ નથી. બંધારણ સર્વોપરિ છે.