નવી દિલ્હી, તા. 25 : ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે અમેરિકામાં આપેલાં એક નિવેદનથી ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વાશિંગ્ટનમાં આયોજિત એક કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકા સાથેના સંબંધો સાચવવા માટે રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. વિવાદ બાદ રામ માધવે માફી માગી ફેરવી તોળ્યું હતું. વાશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટિટયૂટ કોન્ફરન્સ દરમિયાન ભારત - અમેરિકા વચ્ચેના ભરોસા પર બોલતાં રામ માધવે કહ્યું કે, ભારતે અમેરિકા સાથે સારા સંબંધો જાળવવા માટે શું નથી કર્યું? અમે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા. વિપક્ષની ભારે ટીકા છતાં, અમે રશિયા પાસેથી પણ તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા હતા. ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો પણ વિરોધ ન કર્યો અને નવી ટ્રેડ ડીલમાં 18 ટકા ટેરિફ પર પણ સહમતિ દર્શાવી. રામ માધવનો સવાલ હતો કે, આટલું કરવા છતાં એવા કયા મુદ્દા છે જ્યાં ભારત પાછળ રહી ગયું છે?
રામ
માધવનો વીડિયો વાયરલ થતાં જ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે, રાષ્ટ્રહિત
સાથે સમજૂતી : મોદી સરકારે ટ્રમ્પ પ્રશાસનને ખુશ કરવા માટે દેશનાં હિતોનું બલિદાન આપ્યું
છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, અમેરિકા પીએમ મોદીને કોઈ વાત
માટે બ્લેકમેલ કરી રહ્યું છે, જેનાં કારણે ભારત સરેન્ડર કરી રહ્યું છે.
ચારેબાજુથી
ઘેરાયા બાદ રામ માધવે તાત્કાલિક સ્પષ્ટતા કરી અને માફી માગી હતી. તેમણે જણાવ્યું કે,
મેં જે કહ્યું તે તથ્યોની દૃષ્ટિએ ખોટું હતું. ભારતે રશિયા પાસેથી તેલની આયાત ક્યારેય
બંધ કરી નથી. ભારતે 50 ટકા ટેરિફનો હંમેશાં જોરદાર વિરોધ કર્યો છે. તેમણે સ્વીકાર્યું
કે, પેનલ ચર્ચામાં તર્ક આપતી વખતે તેમનાથી ભૂલ થઈ હતી.
રામ
માધવની ટિપ્પણી પછી રાહુલનો કટાક્ષ : રાષ્ટ્રીય સરન્ડર સંઘ
નવી
દિલ્હી, તા.2પ: લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)
નેતા અને ભાજપનાં પૂર્વ મહામંત્રી રામમાધવ દ્વારા અમેરિકામાં આપવામાં આવેલા નિવેદન
ઉપર આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. રાહુલે કહ્યું હતું કે, રામમાધવે સંઘનાં વાસ્તવિક
રૂપને ઉજાગર કર્યુ છે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નહીં બલ્કે રાષ્ટ્રીય સરન્ડર સંઘ
છે. રાહુલે સોશિયલ મીડિયા એક્સ ઉપર એક ટ્વિટમાં લખ્યું હતું કે, આ રાષ્ટ્રીય આત્મસમર્પણ
સંઘ છે. નાગપુરમાં ફર્જી રાષ્ટ્રવાદ. અમેરિકા સામે રીતસરની ગુલામી. રાહુલે આગળ લખ્યું
હતું કે, આ સંઘનો અસલી ચહેરો ઉજાગર થયો છે.
ભારત
વિશ્વગુરુ બનશે :ભાગવત
નાગપુર,
તા. 25 :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારત નિશ્ચિતપણે
વિશ્વગુરુ બનશે. તેમાં કોઈને સંદેહ ન હોવો જોઈએ. ભાગવતે કહ્યું હતું કે, એક સમય હતો
જ્યારે લોકો રામમંદિર નિર્માણને અસંભવ માનતા હતા. સંદેહ હતો, પરંતુ આજે જુઓ મંદિર સૌની
સામે છે. એ જ રીતે ભારતનું વિશ્વગુરુનાં રૂપમાં પુનરુત્થાન પણ પૂર્ણપણે નિશ્ચિત છે.
આ યાત્રાને રોકી નહીં શકાય. નાગપુરમાં નેશનલ કેંસર ઈન્સ્ટિટયૂટ સ્થિત પરિસરમાં ભારત
દુર્ગા શક્તિસ્થળ મંદિરનાં ભૂમિપૂજનમાં ભાગવતે આવી વાત કરી હતી. દેશનાં ભવિષ્ય અંગે
કોઈ શંકા ન રાખો અને સાહસ, આત્મનિર્ભરતા સાથે જીવો. લોકો એક-એક પગલું આગળ વધે તો ભારત
મજબૂત, નૈતિકરૂપે સશક્ત બનશે.
સંઘવડા
બોલ્યા હતા કે, ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન નિરંતર પ્રયાસો અને સામૂહિક શિસ્તથી
સાકાર થશે.
તેમણે
વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારનું પરિવર્તન વર્તમાન યુવા પેઢીમાં જરૂરથી જોઈ
શકાય છે.