કાળઝાળ ગરમી વચ્ચે 25,537 ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે રાજ્યના 4.08 કરોડ મતદારો
(અમારા
પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, તા.25 : ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા- 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને
11 નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણી આવતીકાલે તા.26ને રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
યોજાશે. આ ચૂંટણીમાં મનપાના 261 વોર્ડની 1044 બેઠકોમાંથી 43 બેઠકો માટે બિન હરીફ થયા
બાદ 1101 બેઠકો માટે 3145 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આ ઉપરાંત
નગરપાલિકાઓના 656 વોર્ડની 2624 બેઠકોમાંથી 385 બિનહરીફ થયા બાદની 2239 બેઠકો માટે
5441 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી બાવન બિનહરીફ થયા બાદની 1038 બેઠકો
માટે 3059 ઉમેદવારો, તાલુકા પંચાયતોના 5234 બેઠકોમાંથી 252 બિનહરીફ થયા બાદની 4976
બેઠકો માટે 13,871 ઉમેદવારો,
12
નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠકો પૈકી 4 બિનહરીફ થયા પછીને 9 બેઠકો માટે 21 ઉમેદવારો
મળીને કુલ 7253 વોર્ડની 10,005 બેઠકોમાંથી 736 બિનહરીફ જાહેર થયા પછીની બાકી રહેતી
9263 બેઠકો માટે કુલ 25,637 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
જેના
માટે કુલ 48,450 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 14,275 મથકો સંવેદનશીલ
અને 2196 મથકોને અતિ-સંવેદનશીલ મતદાન મથકો તરીકે અલગ તારવવામાં આવ્યા છે. રાજ્યમાં
હાલ 2,10,71,001 પુરુષ, 1,97,77,864 સ્ત્રી અને 848 અન્ય મળીને કુલ 4,08,16,713 મતદારો
પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટી-આપ વચ્ચે મુખ્ય ચૂંટણી
જંગ છે પરંતુ અડધોઅડધ બેઠકો પર આપના ઉમેદવારો મેદાને ન હોવાથી મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ
વચ્ચે સીધો મુકાબલો થશે અને જ્યાં આપના ઉમેદવારો છે ત્યાં ત્રિ-પાંખિયો જંગ ખેલાશે.
મહાનગરપાલિકા માટે 1,10,04,568 મતદારો, નગરપાલિકાઓ માટે 32,30,913, જિલ્લા-તાલુકા પંચાયતો
માટે સૌથી વધુ 2,65,52,780 મતદારો મળીને કુલ 4,08,16,713 મતદારો પોતાના મતાધિકારનો
ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છ કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાઇઝાળ ગરમીના માહોલ
વચ્ચે યોજાઇ રહી છે જેની અસર ઉમેદવારોના જાહેર પ્રચાર ઉપર તો પડી જ છે પરંતુ આવતીકાલે
મતદાન ઉપર પણ પડે તેવી શકયાતાઓ પણ જોવામાં આવી રહી છે. અલબત્ત, ગરમીને પગલે તંત્ર દ્વારા આ વખતે પતદાન મથકો ઉપર છાંયડા અને પીવાના
પાણી વ્યવસ્થા ઉપરાંત આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.